ધાર્મિક અને વંશીય હિંસાને લગતા અપરાધોમાં છેલ્લા ૩ વર્ષમાં ૪૧%નો વધારો કેન્દ્રની કબૂલાત

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સરકારે લોકસભામાં જણાવ્યા મુજબ ગત ૩ વર્ષોમાં વંશીય હિંસાને પ્રોત્સાહિત કરતા અપરાધોની સંખ્યા ૪૧% વધી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી)ની માહિતી મુજબ ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેના આધારે બે જૂથો વચ્ચે હિંસા ભડકાવવાને લગતા ૩૩૬ કેસ ર૦૧૪માં દાખલ થયા હતા જે ર૦૧૬માં વધીને ૪૭પ થયા છે. આ સમયગાળામાં રાજ્યોમાં આવા અપરાધોમાં ૪૯% વધારો જોવા મળ્યો છે. ર૦૧૪માં વિવિધ રાજ્યોમાં ૩૧૮ હિંસાના બનાવો બન્યા હતા જે ર૦૧૬માં વધીને ૪૭૬ થયા હતા. જ્યારે દિલ્હી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ર૦૧૪માં ૧૮ કેસ નોંધાયા હતા. જેમાં ર૦૧૬માં એક જ આંકડાનો વધારો થયો હતો. ઉત્તરપ્રદેશમાં વંશીય હિંસાના અપરાધોમાં ૩૪૬% વધારો થયો છે. ર૦૧૪માં કુલ ર૬ બનાવ નોંધાયા હતા. જ્યારે ર૦૧૬માં ૧૧૬ બનાવો નોંધાયા. ઉત્તરાખંડમાં ર૦૧૪માં આવા ચાર બનાવ નોંધાયા હતા જેમાં ર૦૧૭માં ૪પ૦%નો વધારો થતાં રર બનાવ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં ર૦૧૪માં ર૦ બનાવ નોંધાયા હતા જ્યારે ર૦૧૬માં પ૩ બનાવ નોંધાયા હતા જે ૧૬પ% વધારો સૂચવે છે. ર૦૧૪ અને ર૦૧૬ની વચ્ચે મધ્યપ્રદેશમાં આવા બનાવોની સંખ્યા પથી વધીને ર૬ થઈ છે જ્યારે હરિયાણામાં ૩થી વધીને ૧૬ થઈ છે જે અનુક્રમે ૪ર૦ અને ૪૩૩%નો વધારો સૂચવે છે. ર૦૧૪માં બિહારમાં વંશીય હિંસાનો એક પણ બનાવ નોંધાયો ન હતો જ્યારે ર૦૧૬માં આવા આઠ બનાવો નોંધાતા ૮૦૦% વધારો થયો હતો. એનસીઆરબી દ્વારા ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને આધારે થતી હિંસાના બનાવોની નોંધ લેવામાં આવે છે પરંતુ ગૌરક્ષા, ગૌવ્યાપાર અને હેરફેરને લગતા બનાવોની નોંધ લેવામાં આવી નથી. હંસરાજ આહિરના જણાવ્યા મુજબ ટોળા દ્વારા થતી હિંસા વિરૂદ્ધ કડક કાયદો લાવવાની કોઈ દરખાસ્ત ગૃહમંત્રાલયની વિચારણા હેઠળ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks