અમદાવાદ,તા. ૨
અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતેના ખૂણ ગામે નવરાત્રિ દરમ્યાન બે સગી સગીર બહેનો પર ગામના જ યુવકો દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર સગીરાઓના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતેના ખૂણ ગામે નવરાત્રિ દરમ્યાન સાતમા નોરતાની રાત્રિએ જયારે બે સગી સગીર બહેનોના માતા-પિતા ગરબા જોવા માટે બહાર ગયા હતા અને તેણી ઘરમાં એકલી હતી, ત્યારે ગામના જ યુવકો દ્વારા તેમની પર દુષ્કર્મ આચરાયું હતું. જો કે, બાદમાં બંને બહેનોએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી દેતાં આરોપીઓના ગુનાહિત કૃત્યનો પર્દાફાશ થયો હતો. સગીરાઓની આપવીતિ સાંભળ્યા બાદ પરિવારજનો સ્થાનિક પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે ધ્યાન દોરતાં પોલીસે બંને બહેનોના તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સાથે ગામના આરોપી યુવકોને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા હતા. જો કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને યુવકોને પકડવા માટે તેમના સંપર્ક સ્થાનો અને શકમંદોના નિવેદનો પણ નોંધી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.