ધોળકામાં નાના બાળકોના ઝઘડામાં મોટા બાખડ્યા : મહિલાના ઘરમાં ઘૂસી હુમલો

ધોળકા, તા. ૩
ધોળકાના બુરૂજ રોડ વિસ્તારમાં નાના બાળકોના ઝઘડામાં મોટું દંગલ થયું હતું. આરોપીઓ ધારિયુ, હોકી, લાકડી લઈને આવી ફરિયાદી મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી લાફો મારી તેની દિકરીના કપડા ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ ધોળકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ધોળકા પોલીસ સ્ટેશનમાં નસીમબાનું અબ્દુલસત્તાર મનુસરી (રહે. બુરૂજરોડ, ધોળકા)એ આરોપીઓ (૧) નસીમબાનુ મહેબુબભાઈ મનસુરી (કડીવાલા) (રહે. બુરૂજ રોડ, ધોળકા) (ર) એઝાદ ઉર્ફે એદલો સાબીરભાઈ મનસુરી (રહે. લકડી ગેરેજ પાસે, ધોળકા) (૩) મુંજો હાજી (રહે. લકી ગેરેજ પાસે, ધોળકા) (૪) સત્તાર વોરા (રહે. મફતિયાપરા, ધોળકા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવાયું છે કે, આજથી બે દિવસ પહેલાં મારા ઘરની સામે રહેતા નસીમબાનું મહેબુબભાઈ મનસુરી (કડીવાળા) સાથે મારે નાના છોકરાના ઝઘડા બાબતે બોલાચાલી થયેલી. જેમાં અમારે સમાધાન થયેલ અને સોમવારે રાતના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે હું તથા મારી દિકરી આસિયાબાનું તથા મારા પતિ ઘરે હાજર હતા તે વખતે આ નસીમબાનું મહેબુબભાઈ મનસુરી અગાઉ છોકરાના થયેલ ઝઘડા બાબતે જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ. જેથી મેં તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓ અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને તેના ઘરમાં જઈને ફોન કરીને તેના સગા વ્હાલા એઝાદ સાબીરભાઈ મનસુરીને બોલાવેલ આ એઝાદ ઉર્ફે એદલો સાબીરભાઈ મનસુરી હાથમાં ધારીયું લઈને આવેલો અને તેની સાથે મુંજો હાજી હાથમાં હોકી તથા સત્તાર વોરા જેના હાથમાં લાકડી હતી. તેઓ મારા ઘરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને એઝાદે મને જમણા ગાલ ઉપર લાફો મારેલ અને મારી દીકરી આસિયાબાનું વચ્ચે પડતા આ એઝાદે તેને પકડી કપડા ફાડી નાખેલ અને મારા પતિ અન્ય રૂમમાં ૧૦૦ નંબર ઉપર ફોન કરવા ગયેલ તો આ એઝાદ કહેવા લાગ્યો કે તું તારા પતિને રૂમની બહાર બોલાવ તેને અહીં પતાવી દેવાનો છે અને તું તારા પતિને નહીં બોલાવે તો તારી છોકરી આસિયાબાનુંને ઉપાડી જઈશું તેમ કહીને મને તથા મારી દિકરીને આ મુંજો હાજી તથા સત્તાર વોરા ગડદા પાટુનો માર મારવા લાગેલ. જેથી અમોએ બુમાબુમ કરતા મારા પતિ તથા મારો ભાણિયો આકીબહુસેન મહંમદહુસેન મનસુરી તથા મકસુદહુસેન અલ્લારખા મનસુરી તથા ફળિયાના બીજા માણસો આવી જતા આ એઝાદ તથા મુંજો હાજી તથા સતાર વોરા જતા-જતા કહેવા લાગેલ કે હવે પછી નસીમબાનું મહેબુબભાઈ મનસુરી સાથે બોલાચાલી કરશો તો તમને જાનથી પતાવી દઈશું તેવી ધમકી આપી જતા રહેલા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks