ધોળકાનો માઝહસન ફૂટબોલ વર્લ્ડકપ નિહાળવા માટે ટીમ સાથે રશિયા રવાના

(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા. ૪
ધોળકાનો વતની અને ગાંધીનગરની એલ.ડી. આર.પી. કોલેજનો વિદ્યાર્થી માઝહસન ઈબ્રાહીમભાઈ રાધનપુરી (સ્ટાર ઓટોવાળા) એક ઉત્તમ ફૂટબોલ પ્લેયર છે. અમદાવાદના ૧પ ફૂટબોલ ખેલાડીઓની (અન્ડર ૧૯ પ્લેયર કલબ) હાલ રશિયામાં ચાલી રહેલા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ નિહાળવા માટે પસંદગી થઈ છે. તેમાં ધોળકાના માઝહસન રાધનપુરીની પણ પસંદગી થતાં તે તેના સાથી ખેલાડીઓ સાથે રશિયા જવા રવાના થયો છે. આ ખેલાડીઓ રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપની ૧૬ મેચો નિહાળશે. ત્યાં ફૂટબોલ કેમ્પમાં ભાગ લેશે. સ્થાનિક કોચ દ્વારા માર્ગદર્શન મેળવશે તથા જુદા-જુદા દેશની ફૂટબોલ ટીમોના ખેલાડીઓ સાથે મેચો પણ રમશે.
રશિયા રવાના થતાં અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં ધોળકાના ફૂટબોલ પ્લેયર માઝહસન રાધનપુરીએ જણાવ્યું હતું કે, મેં એનફિલ્ડ કલબ તરફથી ટ્રેનિંગ લીધી છે અને કલબ તરફથી રમું છું. મારા કોચ રૂતુલ પાસેથી બેથી ત્રણ વર્ષ જીએમડીસી કલબ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ લીધી છે. હું લંડનમાં પણ ફૂટબોલ મેચ રમી આવેલ છું. હું મારી સ્કૂલની ટીમમાં એટલે પસંદગી નહતો પામી શકતો કારણ કે, હું મુક્તમને સંવાદ નથી કરી શકતો. રશિયાની ટ્રીપથી મને ઈન્ટરનેશનલ ખેલાડીઓને જાણવાનો મોકો મળશે અને તેનાથી મારી રમત અને કલા સુધરશે. માઝહસન રાધનપુરીની સિદ્ધિથી તેના માતા ફરઝાનાબાનુ અત્યંત ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર ફૂટબોલ સારું રમે છે. તેને ફૂટબોલ રમવાનો શોખ સાતમાં ધોરણથી જ હતો. ફૂટબોલની મેચો નિહાળીને તેને આ રમત પ્રત્યે લગાવ થયો. તે વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડી ડેવિડ લૂઈસનો ભારે પ્રશંસક છે. હું અને મારો પરિવાર તેની પ્રગતિ માટે દુઆ કરીએ તે ખૂબ સારો ખેલાડી બની એક દિવસ ભારતની ફૂટબોલની ટીમમાં સ્થાન મેળવે તેવી ઈચ્છા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks