ધોળકામાં બકરી ઈદ અને ગણપતિ વિસર્જનના પર્વો ભાઈચારાથી ઉજવાશે

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૩૧
ધોળકા શહેરમાં બકરી ઈદ અને ગણપતિ વિસર્જનના તહેવારો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવા ધોળકાના હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ ધોળકા પોલીસ સ્ટેશનમાં આજે યોજાયેલી શાંતિ સમિતિની મીટિંગમાં સૂર વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા પોલીસ સ્ટેશનમાં ટાઉન પીઆઈ કે.વી.દાફડાના અધ્યક્ષસ્થાને આજે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. જેમાં ઉપસ્થિત મુસ્લિમ ધર્મગુરૂ મૌલાના મોહમ્મદ યુસુફ નકશબંદી અશરફી સાહેબે બકરી ઈદ નિમિત્તે સરકાર દ્વારા પ્રતિબંધિત પશુઓની કુરબાની મુસ્લિમો દ્વારા નહીં આપવામાં આવે તેવી હૈયાધારણ પોલીસ તંત્રને આપી હતી. કુરબાની બાદ પશુઓના ‘વેસ્ટ’ના નિકાલની વ્યવસ્થા ધોળકા નગરપાલિકા દ્વારા ગોઠવવા રજૂઆત કરી હતી. આ મીટિંગમાં ધોળકા નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોર, મ્યુ.સભ્યો રાજુભાઈ દેસાઈ, ગુલામહુસેન મોમીન (બકરાવાલા), જગદીશભાઈ પરમાર, ધોળકા અંજુમને નવજવાન ટ્રસ્ટના હોદ્દેદાર અઝહર મલેક, અગ્રણીઓ વલીભાઈ ડિલાઈટ, શબ્બીરઅલી લોટીવાલા, ફિરોજખાન પઠાણ, અશોકભાઈ રાજા, અબ્દુલભાઈ ઘંટીવાળા, યુનુસ મન્સુરી (બિસ્ટીકવાળા), મહેન્દ્રભાઈ કાછિયા પટેલ વગેરે હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ ગણપતિ વિસર્જનનો પર્વ પણ ભાઈચારાના માહોલમાં ઉજવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા વિસર્જન ટાંણે પોલીસ બંદોબસ્ત ઉપરાંત તરવૈયાઓની વ્યવસ્થા ગોઠવાશે. આ મીટિંગમાં પીએસઆઈ શ્રી રાવલ પણ હાજર રહ્યા હતા. આ મીટિંગનું સંચાલન એલઆઈબી શાખાના જમાદાર હિતેષભાઈ દરજીએ કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks