ધોળકાના સિમેજ નજીક એસ.ટી. બસની ટક્કરે એક માલધારી સહિત ૩ પશુનાં મોત

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૧
ધોળકા-વટામણ હાઈવે પર આજે પરોઢિયે સિમેજ ગામ નજીકથી પૂરપાટ પસાર થતી એસ.ટી. બસની અડફેટે એક માલધારી યુવક અને ત્રણ પાડીના કમકમાટી ભર્યા ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય એક યુવક અને છ પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ધોળકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે પરોેઢિયે ધોળકાથી ગાણોલ તરફ જતી એસ.ટી. બસ સિમેજ ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે એસ.ટી. બસના ડ્રાઈવરે ગફલતભરી રીતે બસ હંકારતા રોડ પરથી પસાર થઈ રહેલા પશુઓ અને માલધારીઓને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ પાડીઓ તથા માલધારી ડાહ્યાભાઈ રણુભાઈ ભરવાડ (ઉ.વ.ર૮) (રહે.ડેરવાળા, તા.લખતર, જિ.સુરેન્દ્રનગર)નું ઘટનાસ્થળે જ ચગદાઈ જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ પાડી, બે ગાયો અને વાછરડી અને એક પશુપાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ સિમેજ ગામના ગ્રામજનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને રોડ પર ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી. પોલીસને બનાવની જાણ થતા ધોળકાના અધિક પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ધોળકા ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ ડી.વી.હડાદ, ધોળકા ટાઉન પીએસઆઈ આર.કે.પરમાર સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને રસ્તા પર ચક્કાજામ કરી રહેલા ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. દરમ્યાન ધોળકાથી પશુ ચિકિત્સકો એ.જે.પટેલ અને એસ.એન.પટેલ ઈજાગ્રસ્ત પશુઓની ઘટનાસ્થળે સારવાર અર્થે પહોંચી ગયા હતા. દરમ્યાન સિમેજ ગામના સરપંચ દિનેશકુમાર ખાનાભાઈ જાદવે જણાવ્યું હતું કે, આ પશુપાલકો પોતાના પશુઓને સિમેજથી લઈને પરોઢિયે વાયા વટામણથી બોરસદ જવા રવાના થયા હતા. ત્યારે સિમેજ ગામ નજીક એસ.ટી.ના ડ્રાઈવરે ગફલતભરી રીતે બસ હંકારી પશુઓ તથા પશુપાલકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક પશુપાલક અને ૬ પશુઓ ઘાયલ થયા છે. આ અકસ્માતના બનાવ સંદર્ભે ધોળકા ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનાર એસ.ટી.બસના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts