કોલંબો, તા.૩૦
શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયા સતત ચોથી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે તો બધાની નજર ધોની ઉપર કેન્દ્રીત હશે. જે આ ફોર્મેટમાં ૩૦૦મી મેચ રમશે. ભારતનો પૂર્વ કપ્તાન ધોની લાજવાબ ઈનિંગ રમી આ મેચને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે. વન-ડે મેચોમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાંથી એક ધોનીથી વધારે વન-ડે ફક્ત સચિન (૪૬૩), દ્રવિડ (૩૪૪), મો.અઝહરૂદ્દીન (૩૩૪), ગાંગુલી (૩૧૧) અને યુવરાજસિંહ (૩૦૪) રમ્યા છે. સિરીઝની ત્રણેય મેચ એકતરફી રહી છે. એમાં કોઈ શંકા નથી કે ધનંજયા સિવાય કોઈપણ શ્રીલંકન બોલર ભારતીય બેટ્સમેનો ઉપર દબાણ બનાવી શક્યો નથી. ભારત સિરીઝમાં ૩-૦થી આગળ છે. કુલદીપ યાદવ, મનીષ પાંડે, રહાણે અને શાર્દુલ ઠાકુરમાંથી કોને તક મળશે તે તો કોહલી ઉપર નિર્ભર છે. રાહુલ અને કેદાર જાધવ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. કોહલી સંકેત આપી ચૂક્યો છે કે તે ખેલાડીઓને રોટેટ કરવા માગે છે. બીજી બાજુ શ્રીલંકા માટે પોતાની સર્વશ્રેષ્ઠ અંતિમ ઈલેવન ઉતારવું મુશ્કેલ છે. જયસૂર્યાના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ રાજીનામું આપી દીધું છે. ચાંડીમલ અંગૂઠાના ફ્રેક્ચરના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. કાર્યવાહક કપ્તાન કપૂગેદરા કમરની ઈજાના કારણે આગળ રમી શકશે નહીં. મલિંગા ચોથી વન-ડેમાં નેતૃત્વ કરશે જ્યારે સસ્પેન્ડેડ કપ્તાન થરંગા પાંચમી વન-ડે અને ટ્વેન્ટી-ર૦ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.