(એજન્સી) રિયાધ, તા.ર૦
સઉદી અરબના હવામાન વિભાગે પવિત્ર મક્કા શરીફમાં મધ્યમથી ભારે વરસાદને કારણે પૂરની આગાહી કરી છે. અહેવાલ મુજબ વિભાગે જણાવ્યું કે, પવિત્ર મક્કા શરીફ, મીના અને અરાફાતમાં હવામાન અસ્થિર રહેશે. અહીં વરસાદ દરમ્યાન લગભગ ર૦ લાખ હજયાત્રીઓએ મીનાના શિબિરમાં આશ્રય લીધો છે. રવિવારે સાંજે આ વિસ્તારમાં આવેલ ભારે ધૂળ તોફાનને કારણે મીનાથી અરાફાત જવામાં વિલંબ થયો હતો. હાજીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસો અરાફાતના મેદાનમાં પસાર કરવાના હોય છે. અહીં હજયાત્રીઓ સફા મરવા પહાડની આસપાસ ચક્કર લગાવે છે અને નમાઝ અદા કરે છે. અહેવાલોમાં જણાવાયું કે મીનામાં ખરાબ હવામાનને પગલે તંબુમાં શરણ લઈ રહેલ હજયાત્રીઓને તાત્કાલિક રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધૂળ આંધીના તોફાનની સાથે હળવો વરસાદ ચાલુ થતા તાપમાન ગગડયું હતું. જેને કારણે સંચાલન અટકી ગયું હતું. નિયમિત ઈબાદત પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલાં પુરૂષો અને મહિલાઓને તોફાનમાં બહાર નીકળવું પડ્યું હતું. અને આશ્રય માટે અહીંતહીં ભાગવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં સઉદી વેપાર અને રોકાણ મંત્રાલયે મીના અરાફાત અને મુજદલિફના પવિત્ર સ્થળો પર હજયાત્રીઓને ભોજન પેકેટ પહોંચાડવા આદેશ આપ્યો છે. પાછલા પાંચ દિવસોમાં બંધ બોટલના ૪૩૦ લાખ કન્ટેનર, દૂધ, જ્યુસની ૩પ૦ લાખ બોટલ સહિત ૧૩૦ લાખ બ્રેડ અને પેસ્ટ્રી અને ૪૦ લાખ ભોજન પેકેટ વહેંચવામાં આવ્યા હતા અને આરોગ્યલક્ષી સુવિધા માટે હેલ્પ લાઈન નંબર પણ આપ્યા હતા. અધિકારીઓએ પવિત્ર સ્થળોના પ્રવેશ સ્થાને જ ઉત્પાદનથી ભરેલા રેફ્રિજરેટરો લગાવી દીધા હતા. જેથી હજયાત્રીઓને જરૂર મુજબ સ્ટોક પૂરો પાડી શકાય.