મહિલાને મહિલા પીએસઆઈએ ઢોરમાર મારતા વિવાદ સર્જાયો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
હરીનગર ગોત્રીમાં તબીબના ઘરે થયેલી ચોરીના બનાવમાં શંકાના આધારે તબીબના ઘરે કામ કરતી મહિલાને ગોરવા પોલીસ મથકની પીએસઆઇને ઢોર માર મારતા વિવાદ થયો છે. પરિવારજનો બાદ હવે પોલીસના મારનો ભોગ બનનાર મહિલાના પાડોશીઓ દ્વારા મહિલા પો.સ.ઇ. વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાની માંગ કરવામાં આવી છે. વડોદરાના ગોત્રી હરીનગર પાસે રહેતા તબીબના મકાનમાં દાગીનાની ચોરીની અરજીનાં આધારે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાના આધારે તબીબના મકાનમાં રસોઇનું કામ કરતા રીટાબેન બ્રહ્મભટ્ટ મહિલા પી.એસ.આઇ. સ્મીતા વસાવા એ બે દિવસ અગાઉ ઢોર મારમાર્યો હતો. જેના આધારે રીટાબેનની હાલત બગડી હતી. રીટાબેનનાં પીઠના ભાગે મહિલા પો.સ.ઇ.એ ૨૫ જેટલા દંડા ફટકાર્યા હતા. જેને પગલે તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આચરવામાં આવેલા અમાનુષી વ્યવહારને કારણે પરિવારજનોએ ભારે રોષ સાથે મહિલા પો.સ.ઇ. વસાવા સામે ફરિયાદ કરવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે પરિવારજનોની ફરિયાદ નહીં લેતા આજે રીટીબેન રહે છે તે વિસ્તારની મહિલાઓ મોરચા સ્વરૂપે ગોરવા પોલીસ મથકમાં પહોંચી હતી. જ્યાં સુત્રોચ્ચાર કરી પો.સ.ઇ. વસાવા સામે ફરિયાદ નોંધાવાની માંગણી કરી હતી. આ અંગે ગોરવા પોલીસ મથકનાં પો.ઇ. ડોડિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓની રજુઆતને પગલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts