ધ્રાંગધ્રામાં ૩ કરોડના ખર્ચે બંધાનારા એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૨૩
છેવાડાના નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધા એસટી બસ સ્ટેશનમાં પણ મળી રહે તેવી રાજ્ય સરકારની નેમ છે તેમ વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું. ધ્રાંગધ્રા ખાતે રૂા.૩૩૧.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત થનાર અદ્યતન સુવિધાયુક્ત એસટી બસ સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કાર્યરત એસટી સેવાનો ઉત્તરોત્તર વ્યાપ વધી રહેલ છે. ત્યારે નાગરિકોને આધુનિક અને સગવડતાભરી પરિવહન સેવાનો લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ કટિબદ્ધ છે. લોકોને પરિવહનમાં સરળતા રહે તે માટે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને લીંબડીને પાંચ પાંચ નવી મીની બસો પણ ફાળવવામાં આવેલ છે. જેનો જિલ્લાના મુસાફરોને લાભ મળશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવનિર્માણ થનાર બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટિંગ હોલ, વિદ્યાર્થી પાસ રૂમ, ઉપહાર ગૃહ, પાર્સલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રૂમ શૌચાલય સહિત, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્લીપિંગ રેમ્પ વીથ રેલિંગ, મુસાફર જનતા માટે શૌચાલય જેવી અદ્યતન સુવિધા એસટી બસ સ્ટેશનમાં ઉપલબ્ધ થશે. આ પ્રસંગે રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયા, જયંતિભાઈ કવાડિયા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવનિર્મિત થનાર એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને તક્તિનું અનાવરણ કરવામાં આવેલ હતું. મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયા તથા મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવેલ હતું. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ ધ્રાંગધ્રાને ફાળવેલ નવી મીની બસને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વાગત પ્રવચન એસટી નિગમના વિભાગીય નિયામક ડી.એમ.જેઠવાએ અને આભારવિધિ ડીટીઓશ્રી પી.પી.ધામાએ કરી હતી. આ પ્રસંગે અગ્રણી દિલીપભાઈ પટેલ, રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા, સાંસદ દેવજીભાઈ ફતેપરા, ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર બીપીનભાઈ દવે, કિરણબેન ભટ્ટ, મહેશભાઈ પટેલ, દેવપાલસિંહ ઝાલા, જયુભા જાડેજા, કનકસિંહભાઈ, સહકારી અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks