ડિજિટલ યુગમાં કંઈપણ ખાનગી રહ્યું નથી : કેન્દ્રની સુપ્રીમમાં દલીલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ગોપનીયતાના અધિકારની સુનાવણી પ્રસંગે યુઆઈડીએઆઈએ સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે આધાર દ્વારા કોઈપણ નાગરિકને ટ્રેક કરી શકાય નહીં. જો કોર્ટ પરવાનગી આપી દે તો ય સરકાર આને નિગરાનીના રૂપે ઉપયોગ કરી શકતી નથી. વધારાના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે કોર્ટનું કાર્ય કાયદાની વ્યાખ્યા કરવાનું છે. કાયદો ઘડવાનું કાર્ય નથી. ભલે કોર્ટ ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરે કે ના કરે પણ ઓનલાઈનના યુગમાં કોઈ પણ વસ્તુ ખાનગી રહી નથી. જો કે, ગોપનીયતાનો અધિકાર કિંમતી અધિકાર છે. ગઈ વખતની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કેન્દ્રને પૂછયું હતું કે શું સરકાર પાસે માહિતી સુરક્ષિત રાખવાની કોઈ સગવડ છે ? શું કેન્દ્ર પાસે કોઈ નક્કર સિસ્ટમ છે ? સરકાર પાસે માહિતીની સુરક્ષા માટે એક નક્કર સિસ્ટમ હોવી જોઈએ. અમને ખ્યાલ છે કે સરકાર કલ્યાણકારી યોજનાઓ માટે આધારની માહિતી ભેગી કરી રહી છે પણ એ સાથે એ પણ જરૂરી છે કે માહિતી સુરક્ષિત રહે. મહેતાએ કોર્ટને જણાવ્યું કે માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે. બિન ભાજપી રાજ્યની સરકારોએ સુપ્રીમમાં આ વિશે રજૂઆતો કરતાં મહારાષ્ટ્ર સરકારે પણ રજૂઆતો કરી હતી અને કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું હતું. એમણે કહ્યું કે ગોપનીયતા મૂળભૂત અધિકાર નથી પણ એક ધારણા છે. ગોપનીયતાની વ્યાખ્યા કરી શકાય નહીં આ કોઈ જુદી રીતે અપાયેલ અધિકાર નથી.

 

‘ગોપનીયતાનો અધિકાર’ માહિતીનું રક્ષણ કરવા માટેની યોજના ઘડવા સરકારે નિષ્ણાંતોની કમિટી રચી
નવી દિલ્હી, તા.૧
સરકારે આજે સુપ્રીમકોર્ટમાં યુઆઈડીએઆઈ કેસની સુનાવણી દરમિયાન રજૂઆત કરી માહિતી આપી કે આધારની માહિતીની સુરક્ષા કરવા માટેની યોજના ઘડવા માટે અને ડ્રાફ્ટ બિલ તૈયાર કરવા માટે સુપ્રીમકોર્ટના પૂર્વ જજ બી.એન.શ્રીક્રિષ્નાની આગેવાની હેઠળ ૧૦ સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટી માહિતીની બાબતોને લગતા મુખ્ય મુદ્દાઓને શોધી કાઢશે અને એને સાચવવા માટે ભલામણો કરશે. કમિટીના સભ્યો માહિતીની સુરક્ષા માટે ખાસ સલાહ સૂચનો આપશે અને માહિતી સુરક્ષિત રાખવાના બિલનો ડ્રાફ્ટ પણ ઘડી કાઢશે. યુઆઈડીએઆઈ આધાર કાર્ડ ઈસ્યુ કરતી એજન્સી છે. આધાર સાથે જોડાયેલ ગોપનીયતાના અધિકાર માહિતીની સુરક્ષા સાથે અન્ય બાબતોને સાંકળતા પાસાઓને સાંભળવા સુપ્રીમકોર્ટે ૯ જજોની બંધારણીય બેંચની રચના કરી છે જે સુનાવણી કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks