(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સંત અને આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે (ઉદય રાવ દેશમુખ) મંગળવારે ખંડવા રોડ પર આવેલા પોતાના ઘરમાં જ ખુદને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. સુસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ હતાશા હોવાનું જણાયું છે. પોલીસે સુસાઈડ નોટ જપ્ત કરવાની સાથે બંદૂક પણ જપ્ત કરી લીધી છે. ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેમના સમર્થક બોમ્બે હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા નેતાઓએ ભૈયુજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ આત્મહત્યાના આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી તેમજ વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે આ કેસમાં શિવરાજ સરકારને દોષી ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ (ભૈયુજી મહારાજ) નર્મદામાં શિવરાજ સરકાર દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર ખનનને કારણે ચિંતિત હતા. તેમની સમક્ષ આ અંગે મૌન રહેવા માટે મંત્રી પદનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. તેમણે મારી સાથે ફોન પર વાતચીત કરીને જણાવ્યું હતું કે, તેમણે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર, ભૈયુજી મહારાજે જે બંદૂકથી ખુદને ગોળી મારી હતી તે કોના નામની છે, તેની તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી. સંત ભૈયુજી મહારાજને સાદર શ્રદ્ધાંજલી. દેશ સંસ્કૃતિ, જ્ઞાન અને સેવાના ત્રિવેણી સંગમ સમાન વ્યક્તિત્વને ખોઈ બેસ્યો છે. તમારા વિચાર અનંતકાળ સુધી સમાજને માનવતાના સેવાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે. કોંગ્રેસની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી, ખૂબ જ દુઃખદ સમાચાર છે કે, ભૈયુજી મહારાજ જેવા સંત હવે આપણા સૌની વચ્ચે નથી રહ્યા. તેમના અસામયિક નિધન પર મારા તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલી.