દિલીપકુમારને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચાહકોએ તેમના આરોગ્ય માટે દુઆ કરી

(એજન્સી) મુંબઈ, તા.૫
બોલિવૂડના અભિનેતા અને ટ્રેજેડી કિંગ દિલીપકુમારનું સ્વાસ્થ્ય અચાનક બગડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપકુમારના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ પરથી તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે.
ટિ્‌વટ પ્રમાણે, સાહેબ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે, છાતીમાં દુખાવો અને ઈન્ફેક્શનને કારણે તેઓ બેચેની અનુભવી રહ્યા હતા. તેમને સારૂ થઈ રહ્યું છે. તેમને તમારી દુવાઓ અને પ્રાર્થનાઓની જરૂર છે.
જો કે, લીલાવતી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, આ જણાવવું મુશ્કેલ છે કે, ૯૫ વર્ષીય દિલીપકુમારને ક્યાં સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. જ્યારે દિલીપ સાહેબમાં પત્ની સાયરા બાનુએ કહ્યું કે, ‘અમે અહીંયા લીલાવતી હોસ્પિટલમાં છીએ અને અમે નિયમિત અહીંયા તપાસ માટે આવીએ છીએ. દિલીપ સાબ થોડા દિવસો અહીંયા રહેશે, જ્યાં સુધી ડૉક્ટરો બધા ટેસ્ટ ન કરી લે, અહીંયા ચેસ્ટ સ્પેશ્યલિસ્ટ, ન્યુરોલોજિસ્ટની એક ડોક્ટરોની ટીમ છે. તેમણે કહ્યું કે, ‘ડૉ. નીતિન ગોખલેના નિરીક્ષણમાં તપાસ કરવામાં આવી રહી છે. અમને તમારી પ્રાર્થનાઓની જરૂર છે જેથી અમે થોડા સમયમાં ઘરે જઈ શકીએ.
લીલાવતી હોસ્પિટલના ડોક્ટર દિલીપ સાહેબના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે. દિલીપ કુમારની ઉંમર ૯૫ વર્ષ છે. દિલીપકુમાર ઘણા વૃદ્ધ થઈ ગયા છે. તેઓ આજકાલ જાહેરમાં દેખાતા નથી. પોતાના ઘરમાં જ રહે છે, તેમની દેખરેખ પત્ની સાયરાબાનો કરે છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડના ઘમા દિગ્ગજ દિલીપકુમારના ઘરે જઈને તેમનું સ્વાસ્થ્યની જાણકારી લઈ રહ્યા છે. આ ખબર સૌથી પહેલાં અભિનેતાના સત્તાવાર ટિવટર હેન્ડલથી તેમના ભતીજા ફૈસલ ફારૂકી દ્વારા બતાવવામાં આવી હતી.
લીલાવતી હોસ્પિટલના ઉપાધ્યક્ષ અજયકુમારે કહ્યું કે, અભિનેતા બુધવારે બપોરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે કહ્યું કે, તેઓ માત્ર નિયમિત તપાસ માટે આવ્યા છે. ચિંતાની કોઈ વાત નથી. તેઓ સારા છે, પણ આ કેહવું મુશ્કેલ છે કે, કેટલાં દિવસ સુધી હોસ્પિટલમાં રહે.
દિલીપકુમારનો જન્મ પેશાવર (હવે પાકિસ્તાનમાં) શહેરમાં ૧૧ સપ્ટેમ્બર ૧૯૨૨ના દિવસે થયો હતો. તેમણે ૧૯૪૪માં ફિલ્મ જ્વાર ભાટાથી ડેબ્યૂ કર્યું હતું. ક્રાંતિ, મુગલ એ આઝમ, દેવદાસ, ગંગા જમુના, મધુમતી, નયા દૌર, કોહિનૂર, રામ અને શ્યામ, આઝાદ, સૌદાગાર વગેરે તેમની યાદગાર ફિલ્મો છે. પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝથી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks