(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
કોંગ્રેસના દિનેશ કાછડિયાના કથિત અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.સાડા ત્રણ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં ખંડણી સિવાય અન્ય જોડાયેલા મુદ્દાઓ પર પણ તપાસનો ચક્રો ગતિમાન કર્યા હોવાનું તથા વીડિયો કોણે બનાવ્યો વીડિયોમાં અપકૃત્ય કરનારી મહિલા કોણ છે ? આવા કેટલા અશ્લીલ વીડિયો બનાવી તથા બનાવડાવી જુદી જુદી નામાંકિત વ્યકિતઓ પાસે ખંડણી માગવામાં આવી તથા આ આખી ખંડણીખોર ટોળકીમાં કોણ-કોણ સામેલ છે ? તથા તેઓ તેનો શું રોલ છે ? તે દિશામાં પણ પોલીસ તપાસના ચક્રોગતિમાન કર્યા હોવાનું ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું. જો કે, મહિલા આરોપી સાધના સાવલિયાને બપોર પછી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયાના કથિત અશ્લીલ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જો કે, બીજા-ત્રીજા દિવસે તેમણે એસ-૨૪ ન્યૂઝ ચેનલના સંચાલક રામ લશ્કરી, સાધના સાવલિયા, ધર્મેશ અમિત સહિત ૧૩ આરોપીઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ડીસીબીના પીઆઈ ચૌધરીએ તલસ્પીર્શ તપાસ કરી એક પછી એક ખંડણીખોર આરોપીઓની ધરપકડ કરી હતી. મહિલા આરોપી સાધના સાવલિયાની ગત સાંજે ૫ઃ૩૦ કલાકે ધરપકડ કર્યા બાદ ચીફ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.