National

‘પત્રકારત્વની શરૂઆત મહાભારતકાળથી થઈ હતી’ : ઉત્તરપ્રદેશના મંત્રી દિનેશ શર્માનો દાવો

(એજન્સી) મથુરા, તા.૩૧
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવના મહાભારતકાળથી જ ઈન્ટરનેટ અને સેટેલાઈટ સંચાર સેવા હોવાના દાવાને ઉત્તરપ્રદેશના મંત્રી દિનેશ શર્માએ સમર્થન આપતા કહ્યું કે, મહાભારતકાળથી જ પત્રકારત્વની શરૂઆત થઈ ગઈ હતી. ‘હિંદી પત્રકારત્વ દિવસ’ના અવસરે તેમણે પોતાના દાવાને સાબિત કરવા કેટલાક ઉદાહરણ પણ આપ્યા જેમ કે, ‘ધ્રુતરાષ્ટ્રના સારથી સંજયે હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્રમાં ચાલી રહેલ મહાભારતનો સમગ્ર ચિતાર આપ્યો. આ જીવંતપ્રસારણ નથી તો શું છે ?’ મહાભારતના આ પ્રસંગ અંગે ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયે પણ પોતાનો મત રજૂ કર્યો હતો કે, ‘કોઈ આદિરૂપ કે સિદ્ધાંત વિના ‘દિવ્ય દૃષ્ટિ’, ‘પુષ્પક રથ’ વગેરેનું અસ્તિત્વ હોય તે કેવી રીતે શક્ય છે.’ આ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુગલને નારદ મુની સાથે સરખાવી ચૂકયા છે. આવા પાયાવિહોણા દાવાઓ માટે ચર્ચામાંં રહેલ ભાજપ નેતાઓની યાદી ઘણી લાંબી છે. ભાજપના વિવિધ મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા મહાભારત અને રામાયણને સર્વોપરી સાબિત કરવાના પ્રયાસો થતાં રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ગણેશના પ્લાસ્ટિક સર્જરીની દેન ગણાવી વિવાદ સર્જ્યો હતો. જો કે, આવી ટિપ્પણીઓની ચારેકોરથી ટીકા બાદ વડાપ્રધાને ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો આપી મીડિયાને મસાલો પૂરો ન પાડવા ભલામણ કરી હતી.