પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના વિક્રમ રાઠવા તેમની પત્ની સપનાબેન અને ચાર મહિનાના બાળક આયુષને લઈને પાવીજેતપુર દવાખાને બતાવવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અંધારૂં પડી ગયું હતું. રાત્રીના લગભગ આંઠેક વાગ્યાના અરસામાં કોસુમપાનીથી આગળ રાયપુર ગામની સીમમાં આવતાં જ જંગલમાં છુપાઈ રહેલા દીપડાએ આ બાઈક ઉપર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલાને લઈને બાઈક જમીન પર પડી ગઈ હતી સાથે સાથે બાળક આયુષ સહિત વિક્રમભાઈ અને સપનાબેન પણ બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા. જેનો લાભ લઈ દીપડો ચાર મહિનાના બાળક આયુષને મોઢામાં લઈને ભાગવા જતા પિતા વિક્રમભાઈએ તેનો પીછો કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળીને આજુબાજુના ગ્રામજનો ભેગા થતાં જ દીપડો બાળક આયુષને મૂકીને જંગલમાં ભાગી ગયો હતો. દીપડાએ કરેલા હુમલામાં માતા સપનાબેનને પણ ઘૂટણના ભાગે પંજો માર્યો હતો. જ્યારે બાળક આયુષને પણ પીઠના ભાગે તથા પગના ભાગે નખ અને દાંત માર્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દીપડાના હુમલામાં ઘાયલ બાળક આયુષને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી વધુ સારવાળ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.