જૂનાગઢ, તા. ૩
માણાવદર તાલુકાના પાદરડી ગામે સવારે ૧૦ વાગ્યાના આસપાસ ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યાં હતા. ત્યારે બે ખેડૂતો શાંગાભાઈ ભીમાભાઈ (રે. પાદરડી, ઉ.વ.પર), મેરૂભાઈ પોગાભાઈ (ઉ.વ.૪પ, રે. પાદરડી) બંનેને દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈને તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન વરજાંગભાઈ ઝાલા લાલઘુમ થઈ ઉઠ્યા છે. પોતાના જ મત વિસ્તારમાં દીપડો દસ દિવસથી ધામા નાંખીને પડ્યો છે જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે માત્ર પાંજરૂ મૂકી દીધુ પરંતુ પકડવાની કોઈ દરકાર કેમ ન લીધી ? હજુ આ વિસ્તારમાં દીપડો ખુલ્લેઆમ રખડે છે તેથી ખેડૂતો અને આમ જનતા ઉપર જોખમ તોળાઈ રહેલ છે. શું કોઈનો ભોગ લેવાશે ત્યારે દીપડો પકડાશે ? તેવો આક્રોશ દક્ષાબેન વરજાંગભાઈ ઝાલાએ વ્યક્ત કરેલ છે. હાલ જાણવા મળેલ વિગતો અનુસાર શાંગાભાઈ ભીમજીભાઈને આંખો ઉપર દીપડાએ ઈજા કરી છે તો મેરૂભાઈને કપાળ ઉપર ઈજા કરી છે. આ પંથકને લોકો ઉપર હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પકડવા માટે માગણી ઉઠવા પામી છે.