હેરિટેજ ઈમારતોની બદહાલ સ્થિતિ અંગે લોકોનું શું કહેવું છે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
અમદાવાદ શહેરમાં આવેલા હેરીટેજ સ્થાપત્યોની સાફ-સફાઈ કરવામાં હાલ મ્યુનિ. તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. હવે આવતી કાલે યુનેસ્કોની ટીમના અમદાવાદ આવી પહોંચવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે તંત્રએ તમામ હેરીટેજ સ્થાપત્યોમાં રંગરોગાન,
લાઈટો તેમજ સ્વચ્છતા માટે સફાઈ કામદારોની ટીમ ઉતારી દીધી છે. અત્યાર સુધી ઈસ્લામી સ્થાપત્યો પ્રત્યે દુર્લક્ષ સેવતા તંત્ર દ્વારા અહમદઆબાદ શહેર વસાવનાર સુલતાન અહમદશાહ બાદશાહની દરગાહ તેમજ માણેકચોકમાં આવેલ રાણીના હજીરાની છેલ્લા ૧પ દિવસથી સફાઈ કરવામાં આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ત્યારે આ કામગીરી મ્યુનિ.તંત્ર યુનેસ્કોની ટીમને દેખાડવા પુરતી કરશે કે બારેમાસ જારી રાખશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
બસ, આવા અનેક પ્રશ્નો પ્રજાજનો કઈ રીતે જુએ છે એ જાણવા માટે ગુજરાત ટુડેએ રાણીના હજીરા, માણેક ચોકની મુલાકાત લઈ સ્થાનિકોના અભિપ્રાયો જાણ્યા હતા. કાદરભાઈ રસુલભાઈ શેખ અને તેમના પત્ની શકીનાબીબી શેખના કુટુંબીજનો ચાર-ચાર પેઢીથી લગભગ ૬૦ વર્ષથી રાણીના હજીરાની સારસંભાળ રાખી આ વારસાગત ઈમારતનું જતન કરી રહ્યા છે. કાદરભાઈ જણાવે છે કે તેમને છેલ્લા ૧૩ વર્ષથી સરકાર દ્વારા કોઈ પગાર મળતો નથી તે નિઃસ્વાર્થ ભાવે મઝાર પર મુજાવરી કરી સેવા આપી રહ્યાં છે. આ બાબતની જાણ તંત્રને હોવા છતાં તે આંખ આડા કાન કરે છે. રાત-દિવસ એક કરી પેટિયું મળતાં લોકોને બે ટંકના ભોજન માટે પણ ફાંફાં મારવાં પડે છે. ત્યારે પોતાના ખર્ચે હજીરાને રોશનીથી ઝળહળતું રાખવા અને ત્યાં લોબાનની સુગંધ, અગરબત્તીની મહેક પ્રસરાવવા તેમજ તેની સફાઈ કરવાનું કામ તેઓ ખુશીથી કરે છે.
આ સિવાય હજીરામાં કાપડનો વ્યવસાય કરતાં ઈસ્માઈલખાન પઠાણે જણાવ્યું કે હજીરાની જર્જરીત દિવાલોમાંથી પાણી ટપકે છે. ભીંતોમાં તિરાડની સાથે ઈમારતનો જૂનો તૂટીને ભાગ ખરી પડ્યો છે. હજીરામાં સરકાર દ્વારા વીજળી-પાણીની કોઈ સુવિધા નથી. તંત્ર યુનેસ્કોનાં નામે સફાઈ અભિયાનનાં બણગા ફૂંકી ફરી પાણીમાં બેસી જશે. સરકારે હજીરાની મરામત કરાવવાની તાતી જરૂર છે.
હજીરામાં જ પોતાની પેઢીની દુકાન ધરાવતા વિક્રમકુમાર સાસાએ જણાવ્યું કે હાલમાં તંત્ર દ્વારા સફાઈકામ થાય છે પરંતુ તેનું ડેવલપમેન્ટ થતું નથી. જો કે અમદાવાદનો હેરીટેજમાં સમાવેશ થાય તો હજીરામાં વસતા રહેવાસીઓ માટે આ એક ગૌરવની વાત હશે. અહીં મોટા ભાગે મુસ્લિમ ભાઈઓ વસવાટ કરે છે અને અમે સૌ હળી-મળી, ભાઈચારા સાથે વ્યવસાય કરીએ છીએ.
કોઈપણ ઐતિહાસિક ઈમારતની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં દુકાન કે કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી, જ્યારે ૩૦૦ મીટરની ત્રિજ્યામાં જો બાંધકામ કરવાનું થાય તો પુરાતત્વ વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે. પરંતુ અમદાવાદ શહેરમાં મોટા ભાગની ઐતિહાસિક ઈમારતો આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જ બાંધકામો થયેલા છે. ત્યારે તંત્ર અત્યાર સુધી આ બાંધકામો પ્રત્યે કેમ આંખ આડા કાન કરી રહ્યું હતું તે મુઝવતો પ્રશ્ન છે.