૪ માસ સુધી દૂષિત પાણી પીવડાવનાર જવાબદાર અધિકારીઓને ડિસમીસ કરવા માંગણી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ૬ લાખ લોકોને સતત ૪ માસ સુધી દૂષિત પાણી પીવડાવીને તેઓના આરોગ્ય સાથે ચેડા કરનાર કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓને ડિસમીસ કરવા, કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા અને વેરો માફ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરો કોર્પોરેશન ખાતે આજે ધરણા પર બેઠા હતા. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના ૬ લાખ લોકોને સતત ચાર માસ સુધી દૂષિત પાણી પીવડાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા એક માત્ર સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે ખરેખર જવાબદાર છેત તેવા કોર્પોરેશનનાં ૩ અધિકારીઓની માત્ર બદલીઓ કરવામાં આવી છે. તેમજ કોન્ટ્રાકટર્સને માત્ર કારણદર્શક નોટિસો આપીને સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે સાથીકાર્યકરો પંકજ દવે અને મહેશ રાવલ સાથે શહેરીજનોને દૂષિત પાણી પીવડાવવા માટે જવાબદાર તમામ અધિકારીઓને તાત્કાલીક અસર ડિસમીસ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમજ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વેરા બીલમાં માફી આપવાની માંગણી તેઓએ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts