ત્રણ તલાક મુદ્દે કોઈ દખલ ન કરે; પર્સનલ લૉમાં કોઈ ફેરફાર નહીં : ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડનું નિવેદન

શરઈ કારણો વગર ત્રણ તલાક આપનારનો સામાજિક બહિષ્કાર કરો  બાબરી મસ્જિદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદાનો અમલ કરીશું

(એજન્સી)                લખનૌ, તા.૧૬

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બે દિવસની બેઠક રવિવારે લખનૌમાં સમાપ્ત થઈ. બેઠક ખતમ થયા પછી બોર્ડે દાવો કર્યો હતો કે દેશના મોટાભાગના મુસલમાનો પર્સનલ લૉમાં કોઈપણ પ્રકારનો સુધારો ઈચ્છતા નથી. બેઠકની અધ્યક્ષતા બોર્ડના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ રાબે હસની નદવીએ કરી હતી. બોર્ડે કહ્યું હતું કે, મુસ્લિમો દહેજના બદલે મહિલાઓને સંપત્તિમાં હિસ્સો આપે. તલાકવાળી મહિલાને મદદ કરે. બોર્ડે પુનઃરોચ્ચાર કર્યો કે તે ત્રણ તલાક પર પ્રતિબંધની વિરૂદ્ધમાં છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે રવિવારે જાહેર કર્યું હતું કે જે લોકો શરીયા કારણો વગર ત્રણ તલાક આપશે તેમનો સામાજિક બહિષ્કાર કરાશે. બોર્ડના મહાસચિવ મૌલાના વલીરહેમાનીએ બોર્ડની કાર્યકારીણીની બે દિવસની બેઠકના અંતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે બોર્ડ દ્વારા ત્રણ તલાકની વ્યવસ્થામાં કોઈપણ પરિવર્તન કરવાનો ઈન્કાર કર્યો છે. તે સાથે જ તલાક માટે એક આચારસંહિતા જાહેર કરાઈ છે. તેની મદદથી તલાકના કેસોમાં શરઈ નિર્દેશોની અસલી સુરત સામે રાખી શકાશે. બોર્ડની બેઠકમાં પસાર કરાયેલ પ્રસ્તાવની ચર્ચા કરતાં મૌલાના રહેમાનીએ કહ્યું કે, કોઈપણ શરઈ કારણ વગર એક જ વખતમાં ત્રણ તલાક આપનારા લોકોનો સામાજિક બહિષ્કાર કરાશે. મૌલાનાએ કહ્યું કે, બોર્ડ દ્વારા તમામ ઉલેમાઓ અને મસ્જિદોના ઈમામોને અપીલ કરવામાં આવે છે કે, આ આચારસંહિતાને શુક્રવારની નમાઝ પછી નમાઝીઓને વાંચી સંભળાવે અને તેના પર અમલ કરવા માટે ભાર આપે. બોર્ડે બાબરી મસ્જિદ મુદ્દે કહ્યું કે, સુપ્રીમકોર્ટના નિર્ણયને માન આપશે. તે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અંગે ભ્રમને દૂર કરવા સોશિયલ મીડિયાનો સહારો લેશે. બોર્ડે કહ્યું કે, તે દોઢ વર્ષમાં ત્રણ તલાકને ખત્મ કરી દેશે તેથી સરકારને આ કેસમાં દખલ ન કરવા કહ્યું છે. ૧૧ મેના રોજ ત્રણ તલાક પર સુનાવણી સુપ્રીમકોર્ટમાં હાથ ધરાવનાર છે. ૩૦ માર્ચના રોજ ત્રણ તલાક અંગે સંવિધાન પીઠની રચના કરાઈ હતી. પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ તેની સુનાવણી કરશે. જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ પણ હશે. જે ત્રણ તલાક અને બીજા મુદ્દાઓ પર પણ સુનાવણી કરશે. જે અંગે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા સુનાવણીનો વિરોધ કરાયો હતો. બોર્ડે કહ્યું હતું કે, કોર્ટ ધર્મ સાથે જોડાયેલ મુદ્દાઓને સંવિધાનની કસોટી પર લાવી શકતી નથી. મૌલિક અધિકાર વ્યક્તિના કાનૂન પર લાગુ કરાય નહીં. બોર્ડે સુપ્રીમકોર્ટમાં લેખિત દલીલમાં કહ્યું હતું કે, ત્રણ તલાકનો ઉલ્લેખ પવિત્ર કુર્આનમાં છે જેને સંવિધાનની કસોટીમાં તોલવો કે ફરીથી લખવા જેવો હશે જેની ઈજાજત નથી. બોર્ડે કહ્યું કે, મુસ્લિમો દહેજના સ્થાને મહિલાઓને સંપત્તિમાં ભાગ આપે. તલાક લીધેલ મહિલાઓને મદદ કરે. તે ત્રણ તલાકની પાબંદીના વિરોધમાં છે. શરિયતની જાણકારી નથી તેવા લોકો આ મુદ્દે આંગણી ઉઠાવે છે. તેવામાં શરિયતના સાચા સ્વરૂપને દેશ સામે રાખવા માટે બોર્ડની જવાબદારી વધી ગઈ છે. હસ્તાક્ષર અભિયાનના માધ્યમથી મુસ્લિમોએ ફરી એકવાર બતાવી દીધું છે કે હિન્દુસ્તાનનું બંધારણ દેશના તમામ નાગરિકોને તેના ધાર્મિક મામલા બાબતે અમલ કરવાની અનુમતિ આપે છે તેમજ મુસ્લિમ પુરૂષ કે સ્ત્રી અંગે શરિયત કાનૂનોમાં કોઈ બદલાવ કે હસ્તક્ષેપ ચાહતા નથી. પર્સનલ લૉ પર અમલ અંગેની રાહમાં કોઈ રૂકાવટ પેદા ન કરવા જણાવાયું છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અંગે મુસ્લિમોને બંધારણીય અધિકાર મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts