(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
દિલ્હી-એનસીઆરમાં દિવાળી પર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના સુપ્રીમકોર્ટના આદેશનો રામદેવે વિરોધ કર્યો છે. એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં રામદેવે કહ્યું કે, આ નિર્ણય હિન્દુઓની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે આવા નિર્ણયો દ્વારા માત્ર હિન્દુઓ પર નિશાન તાકવું એ ખોટું છે. સરકારે આની વિરૂદ્ધ અપીલ કરવી જોઈએ. દરેક ચીજવસ્તુઓ માટે પ્રદૂષણનો હવાલો આપવો યોગ્ય નથી અને તેઓ આ નિર્ણયથી ખુશ નથી. રામદેવે કહ્યું કે જ્યારે કોઈ વિશેષ ધર્મને નિશાન બનાવવામાં આવશે તો એ ધાર્મિક રૂપ ધારણ કરી લેશે અને આમાં કોઈ શક નથી કે હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. કોઈ પ્રતિબંધ છે તો તે દરેક ધર્મો પર હોવો જોઈએ, ફકત હિન્દુઓ પર નહીં. સુપ્રીમકોર્ટે પ્રદૂષણને લઈને એક અરજી પર ચુકાદો આપ્યો છે કે, દિવાળી પર ફટાકડાનું વેચાણ ના થાય આને લઈને હિન્દુવાદી સંગઠન વિરોધ કરી રહ્યાં છે.