ડીજેની ગાડી પરથી લોખંડની ફ્રેમ પડી અને થયું કોમી રમખાણ

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧
આજવારોડ સરદાર એસ્ટેટથી પ્રતાપમરઘાની પોળનાં યુવકો શ્રીજીની પ્રતિમા લઈ ડી.જે.સાથે પાણીગેટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં તે વખતે ડી.જે.ની ફ્રેમ તુટી એક યુવકના માથા ઉપર પડતાં દોડધામ મચી ગઈ હતી. તે દરમિયાન જ વીજપુરવઠો ખોરવાઈ જતાં યુવકોએ ચીચીયારીઓ પાડી હતી. જેને પગલે બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતાં. જેમાં કાંકરીચાળો થતાં બંને કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો. તોફાની ટોળાએ પાર્ક કરેલ વાહનોની તોડફોડ કરી આગચાંપી હતી. તેમજ એક અત્તરની દુકાનને પણ સળગાવી દીધી હતી. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે તોફાની ટોળાને કાબુમાં લેવા ૩૯ ટીયર ગેસનાં સેલ છોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે ચાર દરવાજા વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આજે દિવસ દરમિયાન રાબેતા મુજબની સ્થિતિ રહેવા પામી હતી.
બનાવ અંગે સીટી પોલીસે શ્રીજીની પ્રતિમા લઈને નિકળનાર કેટલાક તોફાની યુવકો સહિત ૨૫૦૦નાં ટોળા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મંગળબજારમાં આવેલ પ્રતાપમરઘાની પોળમાં રહેતા વિજય નિરંજન ઠાકોર, પ્રગ્નેશ મિસ્ત્રી, પાર્થ ત્રિવેદી, જૈમિન ત્રિવેદી, હર્ષિત પંચાલ, નૈતીન ભટ્ટ સહિતનાં યુવકો શુક્રવારની મોડીરાત્રે આજવારોડ સ્થિત સરદાર એસ્ટેટ ખાતે થી શ્રીજીની તૈયાર થયેલ પ્રતિમા ડી.જે.ના વાહન સાથે પ્રતાપમરઘાની પોળ તરફ આવી રહ્યા હતાં. આ સવારી પાણીગેટથી માંડવી વચ્ચેથી પસાર થઈરહી હતી તે વખતે લઘુમતિ વિસ્તારને જોઈ યુવકો ડાન્સ કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક ડી.જે.ની ગાડી ઉપર લગાડેલ લોખંડની ફ્રેમ પડતા એક યુવકને ઈજાઓ પહોંચી હતી તે દરમિયાન ડી.જે.ની લાઈટો બંધ થઈ ગઈ હતી. તે વખતે આ વિસ્તારનો વિજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો જેથી અફવા ફેલાઈ હતી કે શ્રીજીની પ્રતિમા ઉપર પથ્થરમારો થયો છે. જેથી લોકોમાં નાસભાગ મચી જવાપામી હતી. આ બનાવને પગલે લઘુમતિ કોમના ટોળા પણ બહાર આવી ગયા હતાં. કાંકરી ચાળો થતાં બંને કોમના ટોળાસામસામે આવી ગયા હતાં અને જોરદાર પથ્થરમારો થયો હતો. બનાવની જાણ સોશ્યલ મીડીયા ઉપર થતાં યુવકોના ટોળેટોળા માંડવી-પાણીગેટ રોડ ઉપર ઉમટી પડ્યા હતાં. પ્રથમ પોલીસ આ બનાવને કાબુમાં લેવાની જગ્યાએ તમાસો જોઈ રહી હતી યુવકોનાં ટોળા ઉમટી પડી શ્રીજી સવારીનાં યુવકો સાથે જોડાયા હતાં.ં આ યુવકોનાં ટોળા લઘુમતિ વિસ્તારોમાં અંદર સુધી ઘુસી જતાં લઘુમતિ વિસ્તારોનાં યુવાનો પણ સામનો કરવા ઘસી આવ્યા હતાં જેથી પરિસ્થિતિ વધુ વણસે તેમ લાગતા પોલીસે તોફાની ટોળાને કાબુમાં લેવા ૩૯ ટીયર ગેસનાં સેલ છોડ્યા હતાં. તોફાને ચઢેલા ટોળાએ પાણીગેટ પાસે આવેલ દરવાજાવાલી મસ્જીદ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો જેથી મસ્જીદની બારીના કાચ તુટી ગયા હતા ંતેમજ એમ.જી.રોડ પર આવેલ અત્તરની દુકાનને પણ આગ ચાંપી દીધી હતી. આટલીથી નહિં અટકેલ ટોળાએ જમનાબાઈ હોસ્પીટલ પાસે પાર્ક કરવામાં આવેલ કેટલાક દ્વિચક્રીય વાહનોને આગ ચાંપી હતી. જેને પગલે અફવાબજાર ગરમાયું. બનાવને પગલે પોલીસ કમિશ્નર મનોજ શશીધર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પો સ ઈ વી.એ.જયસ્વાલ તેમજ એ. યુ. નિનામા તેમજ ત્રણ જેટલા પોલીસ કોન્સ્ટેબલોને પથ્થરમારામાં ઈજાઓપહોંચી હતી. આ બનાવ અંગે સીટી પોલીસમથકનાં પોસઈ વી.એ.જયસ્વાલે તોફાની તત્વો વિજય નિરંજન ઠાકોર, જૈમીન ત્રિવેદી, પાર્થ ત્રિવેદી, પ્રગ્નેશ મિસ્ત્રી, હર્ષિત પંચાલ, કુબેર ઢોમસે, દિવ્યાંગ રાવલ, નૈતીન ભટ્ટ, અભિષેક પુરોહિત, નિલેષ રાજપુત, પ્રિતેષ પટેલ, ચિંતન વ્યાસ, અજ્જુ , મોહંમદસલીમ , જુનેદ હનીફ , શાહબાજ , લાલુ , અકબર, કામિલ, નજીર તથા વસીમ તેમજ સાહીલ સહિત ૨૫૦૦ના બંને કોમના ટોળા સામે રાયોટીંગ સહિતનો ગુન્હો નોંધ્યો હતો. આજે દિવસ દરમિયાન પરિસ્થિતિ સામાન્ય રહેવા પામી હતી. રાત્રે કાઈ બન્યુ જ નથી તેવું લાગી રહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks