DMKના પ્રમુખ કરૂણાનિધિ હોસ્પિટલમાં ભારે સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા

(એજન્સી) ચેન્નઇ, તા. ૨૮
ડીએમકેના પ્રમુખ ૯૪ વર્ષીય એમ.કરૂણાનિધિની તબિયત વધુ બગડતા શુક્રવારે મોડી રાત્રે ૧-૩૦ વાગ્યાના સુમારે તેમને ખાનગી કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કરૂણાનિધિના પુત્ર એમકે સ્ટાલિન અને તમિળનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત શનિવારે સવારે હોસ્પિટલે પહોંચ્યા હતા. લો બ્લડ પ્રેશરને કારણે કરૂણાનિધિને હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા છે. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. જોકે, ડોક્ટરોના જણાવ્યા મુજબ કરૂણાનિધિની તબિયત સ્થિર છે. હોસ્પિટલની બહાર ભારે સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા છે અને કરૂણાનિધિના વહેલા સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. નોંધનીય છે કે શુક્રવારે મોડી રાત્રે કરૂણાનિધિની તબિયત ઓચિંતા લથડતા ઘરે ઇલાજ કરી રહેલા ડોક્ટરોની સલાહથી તેમને શહેરની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હોસ્પિટલ તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નિષ્ણાત ડોક્ટરો કરૂણાનિધિની સારવાર કરી રહ્યા છે જ્યારે કરૂણાનિધિનાં પુત્રી કનિમોઝીએ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેમના પિતાની તબિયત વિશે જણાવ્યું કે કરૂણાનિધિની સ્થિતિ હવે સારી છે. તેમનું બ્લડ પ્રેશર હવે સ્ટેબલ છે. કરૂણાનિધિના પર્સનલ ફિઝિશિયન ડો.ગોપાલે જણાવ્યું કે કરૂણાનિધિની તબિયત ગંભીર છે અને તેમનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હતું. દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કાવેરી હોસ્પિટલમાં કરૂણાનિધિની મુલાકાત લીધી હતી. માંદગીને કારણે છેલ્લા બે વર્ષથી કરૂણાનિધિ જાહેરમાં દેખાયા નથી, તેમ છતાં ડીએમકેનો ટોચનો હોદ્દો હજી પણ તેમની પાસે જ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks