(એજન્સી) તા.૯
ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ વચ્ચે બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાએ આ વિવાદને ગંભીર નથી ગણાવ્યો. દલાઇ લામા કહે છે કે ડોકલામ વિવાદ વધારે ગંભીર નથી અને ભારત અને ચીને સાથે સાથે મળીને જ રહેવું જોઇએ. તેમણે કહ્યું કે ખાસ કરીને હિન્દી- ચીની ભાઇ ભાઇ જ એકમાત્ર વિકલ્પ છે. બંને દેશ મોટા છે અને તમારે સાથે મળીને જ રહેવાનું છે. ૧૪માં દલાઇ લામા વિરુદ્ધ ચીન ભારે રોષે ભરાયું છે અને તે તેમની ભારત અને અરુણાચલ પ્રદેશની યાત્રા સામે પણ વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે. દલાઇ લામાએ બુધવારે કહ્યું કે આ દેશ (ભારત)માં સ્વતંત્રતા છે, મારી પાસે શેર કરવા માટે અહીં ઘણી તકો છે, હું અહીં કંઇ પણ કરી શકું છું. જ્યાં આ સ્વતંત્રતા નથી એ જગ્યા મને જરાય પસંદ નથી. દલાઇ લામાએ ચીન અંગે કહ્યું કે ચીની લોકોના પ્રેમથી, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પણ અમારા લોકતંત્ર પર આગળ વધી શકે છે. તિબેટિયન લોકો પર દલાઇ લામાએ કહ્યું કે અમારા તિબેટિયન લોકોની નાની કોમ્યુનિટી સંપૂર્ણપણે લોકતંત્રનું પાલન કરે છે અને હું લોકતંત્રનો પ્રશંસક છું. દલાઇ લામાએ પ્રેસની સ્વતંત્રતા અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે લોકો જ કોઇ દેશના અસલ શાસક હોય છે અને લોકોને જાણકારી આપવા અને શિક્ષિત કરવા માટે પ્રેસની સ્વતંત્રતા ખૂબ જ જરુરી છે. તમને જણાવી દઇએ કે ભારતીય સૈનિકોએ ચીની સેનાને સિક્કિમના ડોકલામ સેક્ટરમાં એક માર્ગ બનાવવાથી અટકાવી દીધા હતા જેના બાદ વિસ્તારમાં પ૦ દિવસોથી ભારત-ચીન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ચીને દાવો કર્યો છે કે તે પોતાની જમીન પર આ માર્ગ બનાવી રહ્યો છે અને તે વિવાદાસ્પદ ડોકલામથી ભારતીય સૈનિકોએ તાત્કાલિક ધોરણે પીછેહઠ કરવા માગણી કરી રહ્યો છે. ભૂતાને આ મામલે કહ્યું કે ડોકલામ તેનો વિસ્તાર છે પરંતુ ચીન આ વિસ્તાર તેનો હોવાનો દાવો કરે છે અને કહે છે કે થિમ્પૂનો બેઇજિંગ સાથે આ મુદ્દે કોઈ વિવાદ નથી. અગાઉ આપણા વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ કહ્યું હતુંં કે યુદ્ધથી ડોકલામ વિવાદનો ઉકેલ નથી આવવાનો. બંને દેશોનો વચ્ચેનો વિવાદ વાતચીત અને મંત્રણાથી જ ઉકેલવામાં આવશે.