(એજન્સી) મુંબઈ, તા.૨૮
ગુરૂવારે ભારતીય રૂપિયામાં યુએસ ડોલરની સામે ૪૯ પૈસાનો ઘટાડો થતાં તે અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી એટલે કે, ૬૯.૧૦ પર પહોંચી ગયો છે. તેલની કિંમતોમાં થતાં સતત વધારાને કારણે દેશની ખાદ્ય અને ફુગાવામાં પણ વધારો થઈ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પહેલાં ર૪ નવેમ્બર, ર૦૧૬માં પ્રતિ ડોલરે રૂપિયાની કિંમત ૬૮.૮૬૫૦ પર પહોંચી ગઈ હતી. આયાતકારો અને બેંકો પાસેથી મુખ્યત્વે ઓઈલ રિફાઈનર્સ દ્વારા ડોલરની માગણી કરવામાં આવે છે. જેથી વધતી જતી તેલની કિંમતોને પગલે રૂપિયાનો ભાવ ગગડ્યો છે. બેંકો વચ્ચેના વિદેશી વિનિમયમાં રૂપિયો ગત રેકોર્ડની (૬૮.૬૧) સરખામણીએ ડોલર સામે ૬૮.૮૭ પર પહોંચી ગયો છે અને સવારે તેમાં ૪૯ પૈસાનો ઘટાડો થતાં તે ૬૯.૧૦ પર પહોંચી ગયો. નવેમ્બરમાં યુએસ દ્વારા ઈરાનિયન તેલની આયાતને બંધ કરવાની ઘોષણા કરાતાં વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો થયો છે. લિબિયા અને કેનેડામાં પણ તેલના પુરવઠા અંગે વિચ્છેદ પડતાં તેની કિંમતો વધી છે. તેલની કિંમતોમાં થતો વધારો અને રૂપિયાની કિંમતમાં થતો ઘટાડો એ ભારત માટે બેવડા નુકસાન સમાન છે તેમ ફોરેક્સ ડિલરોએ જણાવ્યું. વેપારીઓએ કહ્યું કે, તેઓ આશા રાખે છે કે, ચલણમાં થતાં નુકસાનને ભવિષ્યમાં અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અસરકારક પગલાં લેવામાં આવશે.
યુએસ ડોલર સામે રૂપિયો ગગડતાં
સામાન્ય માણસને થઈ શકે છે નુકસાન
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
ડોલરની સરખામણીએ રૂપિયો સતત ગગડી રહ્યો છે. ગુરૂવારે પણ તેમાં ઘટાડો જોવા મળ્યો, જે ઈતિહાસનું સૌથી નીચું સ્તર છે. જાણકારો મુજબ રૂપિયામાં ઘટાડો યથાવત્ રહી શકે છે. પરંતુ જો રૂપિયો ગગડશે તો માત્ર દેશને જ નુકસાન નહીં થાય. પરંતુ સામાન્ય માણસ પર પણ તેની વિપરીત અસરો ઊભી થાય છે. માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, જો રૂપિયો હજુ પણ નીચી સપાટી પર પહોંચશે તો સામાન્ય માણસને શું ફરક પડશે.
ભારત પોતાની જરૂરિયાતના લગભગ ૮૦ ટકા પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે.
રૂપિયો ગગડવાથી પેટ્રોલિયમ પેદાશોની આયાત મોંઘી થશે.
તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની ઘરેલું કિંમતોમાં વધારો કરી શકે છે.
ડીઝલના ભાવ વધવાથી માલ-સામાનની હેર-ફેરની કિંમતોમાં વધારો થશે, જેને કારણે મોંઘવારી ઝડપથી આવી શકે છે.
આ ઉપરાંત, ભારત મોટાપાયે ખાદ્ય તેલો અને દાળોની પણ આયાત કરે છે.
રૂપિયો નીચલી સપાટીએ પહોંચતા જ બજારમાં ખાદ્ય તેલો અને દાળોની કિંમતો વધી શકે છે.
સામાન્ય માણસને માટે વિપરીત અસરો ઊભી થવાની સાથે અન્ય ચાર સંકટોના વાદળો પણ લોકો પર ઘેરાઈ શકે છે.
(૧). મોંઘવારી વધવાનું જોખમ :-
રૂપિયા સામે ડોલર મજબૂત થવાથી કાચા તેલના ભાવો વધશે. જેનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સીધી જ અસર થશે. આ ઉપરાંત જે દેશો, કાચા તેલની આયાત કરે છે. તેમને વધુ રૂપિયા ખર્ચવા પડશે. ભારત માટે આ જોખમકારક એટલા માટે છે. કારણ કે, ક્રૂડ મોંઘું થવાથી સીધી રીતે જ મોંઘવારી વધી શકે છે.
(ર). વિદેશ પ્રવાસ બનશે મોંઘો :-
મોટાભાગના દેશોમાં ડોલરમાં ચુકવણી થાય છે જેથી નાણાંને રૂપાંતરિત કરવા માટે તમારે ડોલરની સરખામણીએ વધુ ભારતીય નાણાં ખર્ચવા પડશે.
(૩). વિદેશમાં અભ્યાસ ખર્ચ પણ મોંઘો થશે
જો આપણું બાળક વિદેશમાં અભ્યાસ કરી રહ્યું છે તો તમારે પહેલાની સરખામણીએ વધારે ફી, હોસ્ટેલ બિલ્સ અને નાણાંના રૂપાંતરના પણ વધુ પૈસા ચૂકવવા પડશે.
(૪). આયાત ખર્ચ વધશે :-
રૂપિયો ગગડતા, ભારત જ્યાં પણ ડોલરની સરખામણીએ ચુકવણી કરે છે તે મોંઘી થશે. ભારતના આયાત ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર ગ્રાહકો પર પણ પડી શકે છે.
નબળો થતો રૂપિયો ભારતની વિકાસગાથા પર બ્રેક લગાવશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો થઇ રહ્યો હોવાથી ભારતની વિકાસગાથા પર તેની વિપરીત અસર પડશે અને દેશના વિકાસ પર બ્રેક લાગશે. ગુરૂવારે રૂપિયો ડોલર સામે ગગડીને ૬૯.૦૩-૬૯.૦૪ની સપાટીએ પહોંચી ગયો હતો. ૨૦૧૬ની ૨૪મી નવેમ્બરે ડોલરની સરખામણીએ રૂપિયો ૬૮.૮૬ના સ્તરે પહોંચ્યો હોવાનો રેકોર્ડ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવની રૂપિયા પર ખરાબ અસર જોવા મળી રહી છે. ૨૦૧૮ના વર્ષમાં અત્યાર સુધી ડોલરની સરખામણીએ રૂપિયો આશરે ૭ ટકા સુધી નબળો પડ્યો છે. ક્રૂડ ઓઇલ અને ડોલરની માગ વધતા રૂપિયાના મૂલ્યમાં વધુ ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી આયાત પર માઠી અસર થશે. આયાત કરનારાઓને વધુ રૂપિયાની ચુકવણી કરવી પડતી હોવાથી તેમને ભારે ફટકો પડ્યો છે. રૂપિયો નબળો થવાથી આયાત કરવામાં આવતી વસ્તુઓ મોંઘી થશે. ભારત પોતાના વપરાશના ૮૦ ટકાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેથી પેટ્રોલ અને ડીઝલ સહિત ઇંધણના ભાવ વધી શકે છે અને તેની સીધી અસર મોંઘવારી પર પડશે. એટલું જ નહીં, વિદેશમાંથી આયાત કરવામાં આવતી બધી વસ્તુઓ મોંઘી થઇ જશે, જેની ભારતના અર્થતંત્ર અને વિકાસ પર માઠી અસર થશે. વિદેશમાંથી આયાત કરવામાં આવતા કાચા માલસામાનની પડતર વધી જવાથી ચીજ વસ્તુઓ મોંઘી થશે અને ફુગાવો વધશે.