(એજન્સી) તા.૨૧
પોતાના જ કેબિનેટના મહત્વના સભ્યને ચોંકાવનારા જાહેર ઠપકામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પોતાના પ્રમુખ પદના સંદર્ભમાં રશિયામાં ચાલી રહેલ તપાસમાંથી જેફ સેશન હટી જશે એવી મને ખબર હોત તો મેં જેફ સેશનની ક્યારેય એટર્ની જનરલ તરીકે નિમણૂક કરી ન હોત. ટ્રમ્પે એફબીઆઇની રશિયા તપાસનો હવાલો સંભાળનાર સ્પેશિયલ પ્રોસિક્યુટર રોબર્ટ મુએલરને ગર્ભિત ધમકી આપીને તેમના ફેમિલી ફાઇનાન્સની તપાસ નહીં કરવા જણાવ્યું હતું.
તેમણે એફબીઆઇના પૂર્વ ડાયરેક્ટ જેમ્સ કોમી વિરુદ્ધ પણ નવા આક્ષેપો કર્યા હતા. ટ્રમ્પે મુએલર અને કોમીની આલોચના કરી હતી. જ્યારે સેશનને જાહેરમા ઠપકો આપીને ટ્રમ્પે પોતાના સમર્થકોને પણ ચોંકાવી દીધા હતા અને વહીવટી તંત્રમાં એટર્ની જનરલના ભાવિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેફ સેશને હટી જવું જોઇતું ન હતું. જો તેઓ હટી જવા માગતા હોત તો તેઓ મને કહી શક્યા હોત.
તેમણે આ હોદ્દો સ્વીકાર્યા તે પહેલા મને વાત કરવી જોઇતી હતી તો હું બીજાની જ પસંદગી કરત એવું ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક વ્યાપક મુલાકાતમાં જણાવ્યું હતું. જેફ સેશને એફબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ રશિયન તપાસમાંથી પોતે હટી ગયા છે. રશિયન તપાસમાંથી હટી જવાનો જેફ સેશનનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ પડ્યો નથી. તેમણે ખાનગી અને જાહેરમાં તેની વાત કરી છે પરંતુ ઇન્ટરવ્યૂની જેમ ક્યારેય તેમનામાં કડવાશ જોવા મળતી નથી.