(એજન્સી) મુંબઈ, તા. ૯
ટેલિવિઝન સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ડૉ. હાથી’નું નિધન થયું છે. તેમનું મૂળ નામ કવિકુમાર આઝાદ હતું.
સિરિયલના નિર્માતા આશિત કુમાર મોદીએ નિવેદનમાં જણાવ્યું, “અમને જણાવતા ખેદ થાય છે કે વરિષ્ઠ કલાકાર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે.”
“સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેનાં કારણે તેમનું નિધન થયું હતું.”
તાજેતરમાં જ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૨૫૦૦ એપિસોડ પૂર્ણ કર્યા હતા.
લોકો ડૉ. હાથી તરીકે ઓળખતા
આઝાદના નિધન અંગે આશિત મોદીએ કહ્યું, “આઝાદ અનોખી પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતા.
“તેઓ શોને દિલથી ચાહતા હતા. જો તબિયત સારી ન હોય તો પણ તેઓ શૂટિંગ માટે આવતા હતા, પરંતુ આજે સવારે તેમનો કોલ આવ્યો હતો કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ શૂટિંગ માટે નહીં આવી શકે. “બાદમાં અમને સમાચાર મળ્યાં કે તેમનું નિધન થયું છે. અમે ભાવશૂન્ય બની ગયા છીએ.”
મુંબઈથી અમારા પ્રતિનિધિ સરિતા હરપળે જણાવે છે, “કવિ કુમાર આઝાદે મુંબઈના મીરા રોડ ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૪૬ વર્ષના હતા.”