(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાન ડૉ. સત્યપાલ સિંહે રાજકારણ સાથે જોડાયેલા ૯૦ ટકા નેતાઓને બીમાર ગણાવ્યા છે. તેની સાથે જ તેમણે સવાલ કર્યો છે કે આવા લોકો જ્યારે ખુદના તણાવનો સામનો કરી શકતા નથી. તો તેઓ દુનિયાનો કેવી રીતે મુકાબલો કરશે. તેમણે નેતા માટે આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા અને કમ્યુનિકેટર જેવા ગુણોને જરૂરી ગણાવ્યા છે.
સત્યપાલ સિંહે દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં બીમાર નેતાઓ પર કટાક્ષ કરતા એક શેર પણ કહ્યો હતો કે દો નાવો પર સવાર હૈ. ઈસલિયે ગમો કે શિકાર હૈ. તેમણે કહ્યું છે કે બીમાર વ્યક્તિ ક્યારેય આત્મવિશ્વાસુ હોઈ શકે નહીં. એટલુ જ નહીં તેઓ ખુદને એક સારા શિક્ષક ગણાવવાથી પણ ચુક્યા નહીં. શિક્ષણના ઉતરતા સ્તર માટે શિક્ષકોને જવાબદાર ગણાવતા સત્યપાલસિંહે કહ્યું છે કે જ્યાં સુધી સારા શિક્ષકો રહ્યા, ત્યાં સુધી દેશ દરેક ક્ષેત્રમાં દુનિયામાં સિરમોર રહ્યો હતો.
પરંતુ જ્યારે શિક્ષકોના સ્તરમાં ઘટાડો થયો. ત્યારે શિક્ષણનું સ્તર નીચે ગયું. આવું માત્ર તેમનું નહીં પણ મોટાભાગના લોકોનું માનવું છે. તેમણે કહ્યું છે કે શિક્ષકોએ આજીવન વિદ્યાર્થી બનવું જોઈએ. જે વિદ્યાર્થી બની શકે નહીં. તે સારો શિક્ષક બની શકે નહીં. કેન્દ્રીય પ્રધાન સત્યપાલસિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હાલની સરકારમાં પણ મોટી સંખ્યામાં પ્રધાનો અને નેતાઓ અલગ-અલગ બીમારીથી પીડિત છે.