અમદાવાદ, તા.૭
‘મારા સંતાનોને હું ઊંચી પોસ્ટ પર પહોંચાડીશ.’ આ શબ્દો છે તાજેતરમાં અમદાવાદની વીએસ સંલગ્ન મેડિકલ કોલેજમાંથી એમડી પીડિયાટ્રીક સાથે સમગ્ર કોલેજમાં પ્રથમ આવનાર ડૉ.શકીલ વડાલીવાલાની માતા મરિયમબેનના. માત્ર હાયર સેકન્ડરી સુધી ભણેલાં અનેે ડૉ. તાહિર વડાલીવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં મરિયમબેને પોતાના સંતાનોને ડૉક્ટર બનાવવા જે મહેનત કરી, સમયનું જે આયોજન કર્યું અને ધારી સફળતા મેળવી તે સાબિત કરે છે કે ‘એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.’
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ડૉ.શકીલે તાજેતરમાં એમડીની ડિગ્રી મેળવી છે. તેમના પિતા તાહિર વડાલીવાલા ડૉક્ટર છે અને તેમના દાદા મહંમદ હનીફ વડાલીવાલા પણ ડૉક્ટર હતા, તે જોતાં તેમણે તબીબ ક્ષેત્રે પેઢી દર પેઢીની પરંપરા જાળવી છે. તેમના ડૉક્ટર બનવામાં સૌથી વધુ ફાળો પોતાના માતા-પિતાનો ગણાવે છે. ખાસ કરીને માતાનો, કેમ કે માત્ર હાયર સેકન્ડરી સુધી ભણેલા હોવા છતાં સમયના ચોક્કસ આયોજન અને અથાગ મહેનત થકી તેમણે તેમના ત્રણેય સંતાનો-બે દીકરા અને એક દીકરીને તબીબી ક્ષેત્રે ભણવા માટે અગ્રેસર કર્યા હતા. આ અંગે ‘ગુજરાત ટુડે’ સાથે વાત કરતાં મરિયમબેને જણાવ્યું હતું કે, જો તમારે તમારા સંતાનોને સારી પોસ્ટ પર પહોંચાડવા છે તો તમારે પોતે જ તેમના ટ્યુટર બનવું પડશે. તેમને રમવાનો પણ સમય આપો, પણ ભણતરના ભોગે નહીં. સાથે જ દીનની તાલીમ પણ આપો. મેં મારા સંતાનોને દીન અને દુન્યવી બંને તાલીમ આપી છે અને આજે તેઓ ઉચ્ચ કારકિર્દી ઘડવા અગ્રેસર બન્યા છે. તેમની દીકરી ડૉ.સાઈસ્તા વડાલીવાલા બીડીએસ કર્યા બાદ હાલ આરસીટીનો વિશેષ કોર્સ કરી તબીબી ક્ષેત્રે પોતાનું નામ રોશન કરવા તત્પર છે, જ્યારે તેમનો એક દીકરો એમબીબીએસના અભ્યાસ દરમિયાન અલ્લાહની રહેમતમાં ચાલ્યો ગયો હતો. એ સમયે શકીલભાઈ અમેરિકામાં અભ્યાસ કરતા હતા ત્યારબાદ માતા-પિતાની લાગણીને સમજી તેમનો સહારો બનવા ડૉ.શકીલ ગ્રીનકાર્ડ છોડી ભારત આવ્યા અને અહીં અભ્યાસ કર્યો. ડૉ. શકીલના મતે બાળકો અને મા-બાપ વચ્ચે ભરપૂર સમજણ વિકસે તો ધાર્યું પરિણામ લાવી શકાય. હાલ ડૉ.શકીલ બાળરોગ નિષ્ણાત ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવવા કમલ હોસ્પિટલ મણિનગર ખાતે સેવા આપી રહ્યા છે જ્યારે તેમનાં પત્ની ડૉ.સોનુ સિવિલ હોસ્પિટલ ખાતે અભ્યાસ કરી ‘આઈ’ સર્જન બનવા અગ્રેસર છે, ત્યારે આવનાર સમયમાં આવા અનેક ડૉક્ટરો મુસ્લિમ સમાજ અને દેશ માટે કંઈક ઉચ્ચ યોગદાન આપે તેવી આશાઓ સમાજમાં સેવાઈ રહી છે.
કુટુંબમાં ૧૮થી વધુ ડૉક્ટર
ડૉ.શકીલના કુટુંબમાં કાકા-મામા, ફોઈ એમ બધા જ સગા-સંબંધીઓ તેમજ તેમના સંતાનો પૈકીના મોટા ભાગના લોકો તબીબી ક્ષેત્રમાં કાર્યરત છે. ૧૮થી પણ વધુ લોકો ડૉક્ટર છે. જ્યારે અન્ય લોકો પણ ઉચ્ચ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આ પરિવારના લોકો એક યા બીજી રીતે સમાજને ઉપયોગી તો બનશે જ સાથે-સાથે પ્રેરણાદાયી તો ખરા જ.
હજુ પણ મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું અને નાના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ
ડૉ.શકીલે ‘ગુજરાત ટુડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણો સમાજ શિક્ષણ ક્ષેત્રે જરૂર આગળ વધ્યો છે છતાંય હજુ પણ શિક્ષણનું પ્રમાણ ખાસ કરીને ગરીબ અને પછાત સમાજના લોકોમાં ખૂબ ઓછું છે. જ્યારે મારા અભ્યાસને આધારે કહું છું કે, મુસ્લિમ સમાજમાં નાના બાળકોમાં અનેક બાળકો કુપોષણથી પીડાય છે ત્યારે આ અંગે માતા-પિતાએ ખાસ જાગૃત બનવું પડશે.