(એજન્સી) લખનૌ,તા.૪
હાલમાં ઉત્તર પ્રદેશમાં એક જ સવાલ બધાને પુછાય રહ્યો છે કે, શું યોગી સરકારે રાજ્યમાં મદ્રેસાઓ માટે ડ્રેસ કોડ લાગુ કર્યો છે કે, નહીં. જોકે જુનિયર લઘુમતિ વેલ્ફેર અને હજ મંત્રી મોહસીન રઝાનું કહેવું છે કે, યોગી સરકાર મદ્રેસાઓમાં ડ્રેસ કોડ લાવવાનો વિચાર કરી રહી છે. જ્યારે તેમના જ વિભાગના સિનિયર નેતા લક્ષ્મી નારાયણ ચૌધરીએ મોહસીન રઝાના નિવેદનને નકાર્યું હતું. તેમણે કહ્યું કે, યોગી સરકારે આ મામલે હજી કોઈ વિચાર કર્યો નથી. રાજ્યના લઘુમતિ બાબતના નેતા મોહસીન રઝાએ એમ કહીને વંટોળ ઉભો કર્યો હતો કે, યોગી આદિત્યનાથની સરકાર રાજ્યમાં આવેલા બધા મદ્રેસાઓમાં ડ્રેસ કોડ લાગુ કરી રહી છે.
જ્યારે લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યું કે, મોહસીને કોઈપણ નિવેદન આપતા પહેલા તેઓને પૂછી લેવું જોઈએ. ચૌધરીએ કહ્યું કે, ખાવા કે પહેરવા પર કોઈ પાબંદી નથી હોતી, ડ્રેસ કોડ મદ્રેસામાં લાગુ થાય તો તે તેમની અંગત ઈચ્છા છે. હાલમાં સરકાર આવા કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર નથી કરી રહી.
મોહસીન રઝાએ મંગળવારે કહ્યું હતું કે, મદ્રેસાઓમાં મોટા ભાગે બાળકો કુર્તા પાયજામો પહેરીને આવે છે.જેમનાથી તેમની ઓળખ એક ધર્મ વિશેષ હોય છે. તેઓમાં હીન ભાવના આવે છે. જેને નાશ કરવી જરૂરી છે. સરકાર ઈચ્છે છે કે, મદ્રેસાઓના બાળકો પણ મુખ્યધારાઓથી જોડાય. મદ્રેસાઓના બાળકો પણ સ્કૂલના સામાન્ય બાળકોની જેમ દેખાય. જેથી મદ્રેસાઓના યુનિફોર્મ ડ્રેસમાં પેન્ટ શર્ટ લાવવા પર યોગી સરકાર વિચાર કરી રહી છે.