Ahmedabad

ડ્રાઇવીંગ લાઇસન્સ તૈયાર થશે તો તરત જ સોશિયલ મીડિયા દ્વારા મોકલાશે

અમદાવાદ,તા.૧૫
વાહનચાલક નાગરિકોને લર્નિંગ કે પાકુ લાઇસન્સ મેળવવા માટે બે મહિના જેટલા લાંબા સમયગાળાની રાહ જોવી પડે છે. એટલું જ નહી, લાઇસન્સ બની ગયા પછી પણ તેને ટપાલ કે કુરિયર મારફતે પહોંચવામાં ઘણો સમય વ્યય થાય છે અને ઘણીવાર લાઇસન્સના અભાવે વાહનચાલક નાગરિકોને ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે. આ સંજોગોમાં વાહનચાલકોની સુગમતા અને સરળતા માટે આરટીઓ સત્તાવાળાઓ દ્વારા વાહનચાલક નાગરિકોનું લાઇસન્સ તૈયાર થાય કે તરત જ તેને સ્કેન કરી ફોટો પાડીને વોટ્‌સ અપ નંબર પર મોકલી દેવાશે. લાઇસન્સની હાર્ડકોપી હાથમાં આવે નહી ત્યાં સુધી આ ડીજીટલ કોપી ટ્રાફિક પોલીસ પણ માન્ય રાખશે અને વાહનચાલકો ટ્રાફિક પોલીસના દંડથી પણ બચી શકશે. આરટીઓ કચેરી દ્વારા મોટાભાગે ડ્રાઇવીંગ લાઇસન્સ સ્કેન કરીને મોકલવામાં આવશે પરંતુ જો કોઇક સંજોગોમાં ટેકનીકલ કારણોસર સ્કેનીંગ શકય નહી બને તો, લાઇસન્સનો ફોટો પાડીને વાહનચાલક નાગરિકને મોકલી દેવાશે. અરજદારે જે તે સમયે અરજી ફોર્મમાં જે મોબાઇલ નંબર આપ્યો હશે તેના પર આરટીઓ સત્તાવાળાઓ વોટ્‌સ અપ કરી દેશે. આરટીઓ સત્તાવાળાઓના આ નવા નિર્ણયથી લાખો વાહનચાલક નાગરિકોને ઘણી રાહત મળશે. આ સિવાય વાહન ચેકીંગ દરમ્યાન ડ્રાઇવીંગ લાઇસન્સની પ્રક્રિયા કરી હોય અને લાઇસન્સ મોડુ મળે એમ હોય તેમ નવા વાહનની ખરીદી કરી હોય અને નવા વાહનનું રજિસ્ટ્રેશન કાર્ડ મોડુ થાય તેમ હોય તો તેવા સંજોગોમાં આરટીઓ સત્તાવાળાઓ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે કે વાહનમાલિકને તેના વાહનનો રજિસ્ટ્રેશન નંબર પણ વોટ્‌સ અપ કરી દેશે.