જામનગર, તા. ૭
જામનગર શહેરમાંથી ગયા સપ્તાહે અડધા કરોડનું ચરસ ઝડપાયા પછી એસઓજીએ ખીમલિયાની સીમમાં એક ઝૂંપડામાંથી રૃા.પોણા બે લાખના કેફી પદાર્થના જથ્થા સાથે એક શખ્સને પકડી મુંબઈના સપ્લાયરનું નામ ઓકાવ્યું છે.
એસઓજીના પો.કો. અશોક સોલંકીને બાતમી મળી હતી કે, જામનગર તાલુકાના ખીમલિયા ગામની સીમમાં આવેલા એક ઝૂંપડામાં ડ્રગ્સનો જથ્થો પડયો છે.
ઉપરોકત બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ હરદેવસિંહ ગોહિલને વાકેફ કરાતા એસપી સિંઘલના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રે એસઓજીનો કાફલો ખીમલિયામાં ત્રાટક્યો હતો.ત્યાં આવેલા સરકારી ખરાબાની જમીનમાં વાળી લેવામાં આવેલી ઝૂંપડીની તલાશી લેવામાં આવતા ત્યાંથી મીથામ ફેન્ટામાઈન (એમ.ડી.એમ.એ.) નામના ડ્રગ્સનો ૭૪ ગ્રામ અને ૪૪૦ મિલીગ્રામનો જથ્થો સાંપડયો હતો.
આ સ્થળેથી એસઓજીને હાપા રોડ પર આવેલા લાલવાડી નજીકના આવાસમાં રહેતા સલીમ કાદરભાઈ લોબી નામનો સીદીબાદશાહ શખ્સ મળી આવ્યો હતો તેના કબજામાંથી બે મોબાઈલ, વજન કરવાનો ડિઝિટલ કાંટો તેમજ રૃા.૧,૮૬,૧૦૦નો કેફી પદાર્થનો જથ્થો તથા તેના વેચાણના મનાતા રૃા.૭૯૪૦૦ રોકડા સાંપડયા હતા. એસઓજીએ આ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ઉપરોકત જથ્થો મુંબઈના ઝાકીર ઉર્ફે મુસ્તાક પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હતી.