(એજન્સી) મેરઠ, તા.૧૧
ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપના રાજ્ય સેક્રેટરી સુનીલ બંસલે શુક્રવારે બીઆર આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ તરતજ દલિત વકીલોના સમૂહે પ્રતિમાને દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરી હતી. વકીલોએ જણાવ્યું કે સુનીલ બંસલના હાર પહેરાવવાથી જિલ્લા કોર્ટમાં આવેલી બાબા આંબેડકરની પ્રતિમા અશુદ્ધ થઇ ગઇ હતી. વકીલોએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાકેશ સિંહા અહીં આવ્યા હતા અને તેમણે પ્રતિમાને હાર પહેરાવ્યો હતો, તેથી અમે પ્રતિમાને શુદ્ધ કરી રહ્યા છીએ. ભાજપ સરકાર દલિતો પર દમન કરે છે. તેમનો આંબેડકર સાથે કોઇ લેવા-દેવા નથી પરંતુ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા અને દલિત સમુદાયને આકર્ષવા માટે આંબેડકરના નામનો ઉપયોગ કરે છે.
અગાઉ, ગુજરાતના વડોદરામાં બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જયંતીના પ્રસંગે મેનકા ગાંધી અને ભાજપના અન્ય નેતાઓએ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તરતજ દલિત સમુદાયના કાર્યકરોએ પ્રતિમા ધોઇને સાફ કરી હતી. એક દલિત નેતાએ એવો દાવો કર્યો કે મેનકા ગાંધી અને ભાજપના અન્ય નેતાઓની ઉપસ્થિતિથી ત્યાંનો માહોલ દુષિત થઇ ગયો હતો. નોંધનીય છે કે, ડો.આંબેડકરને દલિતોના આદર્શ અને મસીહા માનવામાં આવે છે. દલિતોના આઇકન ડો.આંબેડકરે અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ સામે મોટા પાયે અભિયાન ચલાવ્યું હતું અને મહિલાઓ તેમ જ મજૂરોના અધિકારોનું પણ સમર્થન કર્યું હતું.
ચાલુ મહિનાના પ્રારંભમાં ઉત્તર પ્રદેશના જ હમીરપુરમાં ભાજપના ધારાસભ્ય મનીષા અનુરાગી મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં, ત્યાર પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું હતું અને મૂર્તિને શુદ્ધ કરવા માટે અલ્હાબાદ મોકલવામાં આવી હતી. ત્યાર પછી મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી હતી.