દૂધ સંજીવની યોજના હેઠળ આવતું દૂધ બાળકોના પેટમાં જવાના બદલે ઉકરડામાં ગયું !!

પાવીજેતપુર, તા.૩૦
શાળાઓમાં બાળકોને શિક્ષણની સાથે-સાથે પોષણક્ષમ આહાર મળી રહે અને આવનારી પેઢી કુપોષણથી ન પીડાય તે હેતુથી શાળાઓમાં અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે. પરંતુ દૂધ સંજીવની યોજનાનું દૂધ શાળા સંચાલકો દ્વારા ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે તેનો તાદૃશ્ય પુરાવો પાવીજેતપુર તાલુકાનાં લુણાજા ખાતે જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના લુણાજા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે આવતું દૂધ સંચાલકો દ્વારા ઉકરડામાં નાખી દેવામાં આવે છે. ખરેખર આ પોટલીઓ શાળાના બાળકોને આપવાની હોય છે. પરંતુ તેના બદલે ઉકરડાને હવાલે કરી દેવામાં આવ્યું હતું. આ અંગે મધ્યાહ્ન ભોજન સંચાલકને પૂછતા તેઓને આજે કેટલી પોટલીઓ આવી છે તે પણ ખબર ન હતી અને જ્યારે ઉકરડામાં પોટલી કેમ નાખી તેમ પૂછતા તેઓએ જણાવ્યું કે બાળકો પીતા નથી અને જ્યારે પુછ્યું કે આ પોટલીઓ કોણે નાખી ત્યારે જણાવ્યું કે અમે નથી નાખી તો પછી સવાલ એ થાય કે આ પોટલીઓ નાખી કોણે ?
જ્યારે શાળામાં આચાર્યને મળવા પહોંચ્યા તો આચાર્ય તો ના મળ્યા પણ શિક્ષણાધિકારી જાતે જ ત્યાં મળી ગયા અને જ્યારે તેઓને દૂધ ઉકરડામાં પડ્યું છે તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે આ દૂધ કોણે અને કેમ નાખ્યું છે તેની તપાસ કરીને કાર્યવાહી કરીશ.
ત્યારે સરકારે આ આદિવાસી બાળકોમાં પોષણયુક્ત આહાર મળે તે હેતુથી દૂધ સંજીવની યોજના શરૂ કરી છે પરંતુ સરકારના વહીવટી તંત્રના અણઘડ વહીવટને કારણે દૂધની પોટલીઓ ઉકડામાં જોવા મળે છે. આ અંગે તાલુકા શિક્ષણાધિકારી કે.સી. સૂર્યવરીએ જણાવ્યું હતું કે શાળાઓમાં દૂધ સંજીવનીનું દૂધ તો આવે છે અને બાળકોને પ્રાર્થના પૂરી થયા પછી ધોઈને પીવડાવી દેવાનું હોય છે પણ અહીં લુણાજામાં દૂધની પોટલીઓ બહાર પડેલી જોવા મળી છે જે બરાબર નથી એની હું તપાસ કરીને પગલાં લઈશ. જ્યારે લુણાની ગામના ડે.સરપંચે જણાવ્યું હતું કે દૂધ દરરોજ આવે છે. પણ એ દૂધ નિશાળની બાજુમાં ઢગલો મારેલો હોય છે. બાળકને આપવા માટે દૂધ આવે છે જો તેમને આપી દે તો ફાયદો થાય. બાળકોને દૂધ આપતા હોય તો પી જાય ના આપે તો જ બહાર ઢગલા કરવા પડે સરકારની યોજના ફાયદાકારક છે પણ વહીવટમાં ખામી છે. આ અંગે ગ્રામમાં શાંતિભાઈ નાયકાએ કહ્યું હતું કે અમારા ગામમાં સ્કૂલનું અને આંગણવાડીનું દૂધ એક જ જગ્યાએ આવે છે. ત્યાંથી અહીંની આંગણવાડીના બાળકોને આપતા નથી. એક વર્ષ પહેલા આપતા હતા. પણ એક વર્ષથી બંધ કરી દીધું છે અમે માંગીએ છે તો પણ આપતા નથી ફેંકી દે છે પણ બાળકોને આપતાં નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts