(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.પ
ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની માગ સાથે ઓબીસી એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉપરાંત હજારો લિટર દૂધ રોડ ઉપર નકામુ વહેવડાવી દીધું હતું. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે તમામ મોટી ડેરીઓના સંચાલકોને ચીમકી આપી હતી કે જો તેઓ દૂધનો સપ્લાય બંધ નહીં કરે તો આજે રાતથી જ ડેરીઓનો ઘેરાવ કરાશે.
ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ખેડૂતોના દેવા માફીની માગ સાથે તા.પ અને ૬ જુલાઈના રોજ દૂધ રોકો આંદોલનની જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ર૪ કલાક વીજળી, દૂધ ઉત્પાદકોને દૂધના લિટર દીઠ રૂા.૩ સબસિડી આપવાની માગ કરી દરેક તાલુકા અને જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો અને આંદોલનના ભાગરૂપે તા.પ અને ૬ના રોજ ડેરીઓના મંત્રીઓને દૂધ ન ભરવા જાણ કરી હતી. ઉપરાંત વિવિધ ડેરીઓમાંથી દૂધ શહેરોમાં ન જાય તે માટે ડેરીઓની બહાર દેખાવો કરવાનું નક્કી કર્યું હતું. ઓબીસી એકતા મંચની આ લડાઈમાં ખેડૂત આગેવાનો અને પાસના આગેવાનો પણ જોડાયા હતા. દરમિયાન આજે સવારે અમદાવાદમાં થલતેજ નજીક સર્કલ પાસે ખેડૂતોએ દેવા માફીની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હજારો લિટર દૂધ રોડ ઉપર વહેવડાવી વિરોધ નોંધાવ્યો હતો અનેક જિલ્લામાં અસંખ્ય ખેડૂતોએ રસ્તા પર ઉતરી આવી દૂધ રોડ ઉપર ઢોળ્યું હતું. જેમાં અમદાવદા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા સહિતના જિલ્લાઓમાં ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દૂધ ઉત્પાદકોના આ આંદોલનને પગલે અસંખ્ય ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકો માટે કોઈ જાહેરાત નહીં કરે તો આજે રાત્રિથી જ દૂધ ઉત્પાદકો અને ખેડૂતો ડેરીઓનો ઘેરાવ કરશે. આ માગણીઓનો સ્વીકાર કરવા માટે બે દિવસ ડેરીઓમાં દૂધનો સપ્લાય બંધ કરવામાં આવશે. તેમ છતાં નક્કર પરિણામ નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ દરમિયાન સરકાર કે ખેડૂતોને જે પણ નુકસાન થશે તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
શાકભાજી કે દૂધ રોડ પર વેડફી વિરોધ કરવાની આ રીત યોગ્ય છે ?
ખેડૂતોના દેવા માફીની તથા દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માગ સાથે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ચૂંટણી ટાંણે ખેડૂતોના હામી બનવાનો જે ડોળ શરૂ કર્યો છે તે ખરેખર ખેડૂતોના હિતમાં નહીં પરંતુ પોતાનું રાજકીય કદ વધારવા માટે જ હોય તેમ જણાય છે. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ઉશ્કેરી મહેનત કરી ઉગાડેલા શાકભાજી કે પશુઓને મોંઘા ભાવનો ઘાસચારો ખવડાવી મેળવેલું દૂધ આ રીતે રસ્તા પર ફેંકી કે ઢોળી વિરોધ દર્શાવવો શું યોગ્ય કહેવાય ? જો ખરેખર વિરોધ નોંધાવવો જ હોય તો એવી જાહેરાત કરવી જોઈએ કે ખેડૂતો પોતાના શાકભાજી કે દૂધ આ તારીખે ગરીબોને, વિધવાઓને મફતમાં આપશે અથવા તો અનાથાશ્રમ કે એવી કોઈ સખાવતી સંસ્થાઓને મફતમાં આપી વિરોધ નોંધાવી શકાય. આનાથી શાકભાજી અને દૂધનો બગાડ થતો અટકશે, જે ગરીબો અને લાચારોના પેટ ઠારશે ઉપરાંત સરકાર પર પણ જબ્બર દબાણ ઉભું કરી શકાશે. અનાજ શાકભાજી કે દૂધ આ રીતે નકામું વહેવડાવી બગાડ કરવાથી કુદરત પણ નારાજ થાય છે.
જો ખેડૂતોના દેવા માફ નહીં કરાય તો શાકભાજી-અનાજ પણ બંધ કરાશે
અમદાવાદમાં એસજી હાઈવે ખાતે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર સહિત પ૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. દૂધઉત્પાદકો રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે પોલીસે તેમને અટકમાં લીધા હતા. અલ્પેશ ઠાકોરે આ તબક્કે જણાવ્યું હતું કે સાચા અર્થમાં ખેડૂતોની સેવા કરવી હોય તો દેવા માફ કરો, શંકર ચૌધરી, જેઠા ભરવાડ સહિતના ડેરીના રાજકીય સંચાલકો ખેડૂતોનું દેવું માફ થાય તેવું ઈચ્છતા નથી. એમ જણાવી તેમણે આગામી ૭મી જુલાઈએ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી યાત્રા કાઢવાની તથા તા.૮થી ૧૦ જુલાઈ સુધી ગાંધીનગરમાં ધરણાં કરવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે દૂધ પર પ્રતિબંધની અસર આવતીકાલથી જોવા મળશે. આજે આઠથી દસ હજાર ગામડાઓએ દૂધ આપ્યું નથી. જો હજી પણ ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શાકભાજી અને અનાજ પણ બંધ કરી દેવાશે.