અમદાવાદમાં સિક્યુરિટી સર્વિસમાં રૂા.૪ કરોડનું સોનું લૂંટનારા બે આરોપી ઝડપાયા
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
અમદાવાદમાં સિકયુરિટી સર્વિસના ગાર્ડ ઉપર હુમલો કરી રૂા.૪ કરોડના સોનાની લૂંટ કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડયા છે. પકડાયેલા બંને આરોપી ભાઈ-બહેન હોવાનું અને દેવું વધી જતાં તેમણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.
શુક્રવારે મોડી રાત્રે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી એસઆઈએસ કેશ સર્વિસ પ્રા.લિ.ના વોચમેનને બે અજાણ્યા શખ્સો હથોડી મારી જીવલેણ હુમલો કરી કંપનીમાંથી રૂા. ૪ કરોડની કિંમતના ૧૪.ર૦૦ કિલો ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જુદીજુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. જેમાં ચોકકસ વાહનના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થલતેજના ઈન્દ્રપ્રસ્થ ટાવરનાં બી/૮૦ર મકાનમાં રેડ કરી આરોપી સાગર સતરામભાઈ ભાગચંદાણી (ઉ.વ.ર૦) અને પીન્કી સતરામભાઈ ભાગચંદાણી (ઉ.વ.રપ)ને ઝડપી પાડયા હતા. પકડાયેલા બંને આરોપી ભાઈ-બહેન છે અને તેમાં સાગર પોતે કિક્રેટનો સટ્ટો રમવાની ટેવ ધરાવતો હતો અને મોટા શોખ માટે હુકકાબારમાં જવાનો અને દારૂની પાર્ટીઓ કરવાની ટેવ ધરાવતો હોવાથી દેવું વધી ગયું હતું. ત્યારે દેવું ચુકવવા માટે નાણાં માટે ફાંફાં મારતો હતો. જેને તેની બહેન પણ સાગરને સાથ આપતી હતી. જેથી બંને જણા કોઈપણ રીતે દેવું ભરવા માટે ગુનો કરવાની ફીરાકમાં હતા. ત્યારે ભાઈ-બહેનની બેલડીએ રેડી કરીને એસઆઈએસની કંપનીમાં લૂંટ કરવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેના માટે પિતાની ગેરેજમાં જી.જે.૦૧ પીએફ.૪ર૦ નંબરની હોન્ડા સીબીઆર ૧પ૦ બાઈક લઈને એસઆઈએલ કંપનીમાંથી રૂા.૪ કરોડ સોનાની લૂંટ કરી હતી. ત્યાર બાદ બંને આરોપીએ લૂંટના સોનામાંથી ૧૦૦ ગ્રામના પાંચ નંગ બિસ્કીટ દેવું ચૂકવવા માટે લેણદારને આપ્યા હતા. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓના ઘરમાંથી લૂંટના ગુનાનું સંતાડી રાખેલું ૧૩.પ૦૦ કિલો સોનુ (રૂા.૩.૮૦ કરોડ) કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે આરોપી સાગર ભાગચંદાણી જીએલએસ કોલેજમાં સેકન્ડ ઈયર બીબીએનો અભ્યાસ કરે છે. જયારે તેની આરોપી બહેન પીન્કીએ આઠેક મહિના નોકરી કરી છે. છેલ્લા ૧પ દિવસથી નોકરી છોડી દીધી હતી. તેમજ તેના મુંબઈ ખાતે ર૦૧૪માં લગ્ન થયા હતા. જેના છુટાછેડા થતા હાલ જે તેના માતા-પિતા સાથે રહે છે.