Gujarat

સુરતના મોરામાં ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ મામલે લૂંટાતી લાજ બચાવવા તંત્રમાં દોડધામ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરત જિલ્લાના ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો નોંધાતા પ્રજા રોગચાળાના ભરડામાં સપડાતા ઘરે ઘરે માંદગીના ઢોલીયા ઢળાયા હતા. અને માત્ર ઓક્ટોબર માસમાં સુરત શહેર-જિલ્લામાં એક માસમાં સત્તાવાર ડેન્ગ્યુના ૧૮૮ પોઝિટિવ કેસ બહાર આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય વિભાગના ‘ક્લાસ’ લીધા બાદ હરકતમાં આવેલા તંત્રની ઘરે-ઘરે સર્વેની તપાસમાં હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાંથી ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ છે. એક્સ.એલ.એસ. સેન્ટરમાંથી તમામ રિપોર્ટમાં ડેન્ગ્યુ દર્શાવવામાં આવતા બે વર્ષના અંદાજીત એક હજારથી વધુ રિપોર્ટ મંગાવી ક્રોસ વેરિફિકેશન કરવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં લેબના બોગસ રિપોર્ટનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર કૌભાંડમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જો કે સામાન્ય સભામાં વિપક્ષના ઝુઝારૂ સદસ્ય. દર્શન નાયક દ્વારા વારંવાર જિલ્લામાં આવેલી લેબોરેટરીઓની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોવાની બાબતે તંત્રનો ઊધડો લેવા છતાં તંત્ર હરકતમાં આવ્યું ન હતું અને હવે સમગ્ર કૌભાંડ બહાર આવતા લૂંટાતી લાજ બચાવવા તંત્રમાં દોડધામ મચી છે.
જિલ્લામાં વાયરલ ઉપરાંત ઝેરી મેલેરિયા, સાદા તાવ અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગચાળાએ માથું ઊંચકયુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ફિલ્ડ વર્ક ન કરતા જીવલેણ રોગોનો ઉપાડો વધ્યો હતો. સભ્ય દર્શન નાયકે પણ તંત્રને આડેહાથ લઈ લીધું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાનું આરોગ્યલક્ષી ચિત્ર કથળતું જતું દેખાતા આરોગ્ય વિભાગના અધિકારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવીને ક્લાસ લીધા હતા. અને આરોગ્યલક્ષી કામગીરી અંગેના તમામ પ્રોગ્રેસિવ ડેટાઓ પૈકી ડેન્ગ્યુ અને મેલેરિયાના આંકડાઓનું ક્રોસ વેરિફિકેશન કરવાની સૂચનાઓ આપી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીની શંકા અંતે સાચી ઠરી સત્ય ઉજાગર થઈ રહ્યું છે. અને શહેરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે સામાન્ય તાવના દર્દીઓને પણ ડેન્ગ્યુના રિપોર્ટ આપી દેવામાં આવતાં હોવાનો ભાંડો ફૂટ્યો છે. હજીરા વિસ્તારના મોરા ગામમાં ડોક્ટર ભવાનીની માલિકીની આવેલી ઠન્જી લેબોરેટરીમાં કોઈપણ તાવ આવતો હોય ડેન્ગ્યુનો રિપોર્ટ આપી દેવામાં આવતો હતો. આ લેબોરેટરીમાં ટેકનિશિયન તરીકે હિતેશ શાહ નામના વ્યક્તિ કામગીરી કરી રહ્યા છે. જે પણ રિપોર્ટ કરવામાં આવે તેમાં ડેન્ગ્યુના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતાં હતાં. જેથી એકસ.એલ.એસ. લેબોરેટરીના રિપોર્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતાં લેબ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું હતું.
બોગસ રિપોર્ટ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપરોક્ત લેબોરેટરીના બે વર્ષના તમામ રિપોર્ટની અંદાજીત ૧ હજાર નકલો મંગાવીને આ સેન્ટર વિરૂદ્ધ આકરા પગલાં ભરવા સાથે નોટિસ આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગના તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાંડમાં એકસ.એલ.એસ. લેબોરેટરીના સંચાલકો અને આરોગ્ય સાથે ચેડા કરનારા ડોક્ટર પણ આ પ્રકરણમાં સામેલ હોય શકે છે. જેથી યોગ્ય તપાસ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરીએ બે વર્ષમાં જે દર્દીઓના રિપોર્ટ આપ્યા છે. તે તમામ દર્દીઓની સરનામાના આધારે હજીરા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને તપાસ કરવામાં આવી રહી છે. અને તેઓના ફરીથી સેમ્પલો લઇને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર તપાસ બાદ ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ આપવાનું મસમોટુ કૌભાંડ ઉજાગર થવાની શક્યતા આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ લેબોરેટરીના સંચાલકોને રિપોર્ટ પ્રતિ માસે આપવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ રિપોર્ટ આપવામાં આવતા ન હતા. અને સૌથી વધુ આ વિસ્તારની ખાનગી પ્રેક્ટિસ કરતી મસમોટી બે હોસ્પિટલના દર્દીઓ હોવાનું તપાસમાં ખૂલ્યું હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

લેબોરેટરીને મેલેરિયા અધિકારીએ ફટકારી નોટિસ

સુરત જિલ્લાના મોરા ગામ ખાતે આવેલ એક્સ એજ.એલ. સેન્ટર પાસે ગતરોજ પ્લેટ કાઉન્ટ ઓછા દર્શાવી તમામ રિપોર્ટ ડેંગ્યુમાં ખપાવી દેવાતા હતા, તેવી નોટિસ જિલ્લાના મલેરિયા અધિકારીએ આપી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ગંભીર મામલા સંદર્ભમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વારંવાર રજૂઆતો કરવા છતાં જિલ્લા પંચાયતના શાસકોએ ગંભીરતા દાખવી.ન હતી સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં ૫૬ જેટલા પીએચસી સેન્ટર આવેલા છે, સચીન, કડોદરા, ચલથાણ, પલસાણા, કરંજ, કીમ, પીપોદરા, લસકાણા, સાયણ, દેલાડ, ઓલપાડ જેવી જગ્યાએ અનેક લેબોરેટરી આવેલી છે. સરકારના આરોગ્ય વિભાગના પરિપત્રમાં દર અઠવાડિયે ખાનગી લેબો.ના રોગોના આંકડા મેળવવાના હોય છે. પરંતુ મેડીકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર કેમ આવી ગંભીર બાબતે કાળજી લેતા નથી ? કેમ કોઈ પગલા લેતા નથી ? આ સમગ્ર બાબતમાં લાપરવાહ તંત્ર સામે પગલા લેવાવા જોઈએ, લેબો.ના રોગોના આંકડા સમયસર મંગાવવા જોઈએ. સુરત જીલ્લાના લોકોની આરોગ્ય અને સુખાકારી માટે જવાબદાર મેડીકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર સામે કાર્યવાહી થવી જોઈએ, એવી લાગણી અને માંગણી સભ્ય દર્શન નાયક દ્વારા કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર બાબતે આજરોજ જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે જીલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકની આગેવાનીમાં લાપરવાહ તંત્ર અને શાસકો સામે સુત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.