કાશ્મીરમાં નકલી માછીલ એન્કાઉન્ટરની વિગતો ભારતીય સેના દ્વારા કેમ દબાવવામાં આવી રહી છે ?

(એજન્સી) તા.૨૩
ભારતીય સેના માછીલ નકલી એન્કાઉન્ટર કેસમાં ત્રણ કાશ્મીરી નાગરિકોની હત્યા માટે દોષી છ લશ્કરીકર્મીઓને લગતા કાનૂની કેસના દસ્તાવેજો સાર્વજનિક રીતે જાહેર થતા અટકાવવા માટે તમામ કાનૂની પગલાઓનો ઉપયોગ કરી રહી છે. સેનાએ આ પિટિશન પર દિલ્હી હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ બાબત આરોપીઓની પ્રાઇવસી પર અનધિકૃત અતિક્રમણ સમાન છે જેના કારણે ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા પૂર્વગ્રહ રીતે પ્રભાવિત થશે.
આ અગાઉ કેન્દ્રીય માહિતી પંચે માછીલ કેસને લગતી માહિતી પૂરી પાડવાનો સેનાના ઇન્કારને અયોગ્ય ગણાવવા છતાં સેના કાશ્મીરના આ નકલી માછીલ એન્કાઉન્ટરની વિગતો દબાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. હાઇકોર્ટમાં સેના વતી પ્રતિનિધિત્વ કરી રહેલ એડવોકેટ અંજના ગોસેને આ કેસ પર ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કેસ ન્યાયાધિન હોવાથી હું તેના પર ટિપ્પણી કરી શકું નહીં.
આર્મીએ આરટીઆઇ એક્ટ ૨૦૦૦ની કલમ-૮ (૧)(એચ) હેઠળ માહિતી જાહેર કરવામાં મળેલ મુક્તિને ટાંકીને કોઇપણ માહિતી જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. આ કલમમાં જણાવાયું છે કે આવી કોઇપણ સંવેદનશીલ માહિતી જાહેર કરવાથી લોકોનો રોષ ભડકી ઊઠશે. આથી જાહેર હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવ્યો ન હતો.
સપ્ટે.૨૦૧૫માં નોર્ધન આર્મી કમાન્ડરે કોર્ટમાર્શલ દ્વારા અગાઉ આપવામાં આવેલ જન્મટીપની સજાને સમર્થન આપતા અપરાધીઓને જેલ સત્તાવાળાઓને સોંપી દેવાનો માર્ગ મોકળો બન્યો હતો. પરંતુ ગઇ સાલ આર્મ્ડ ફોર્સીસ ટ્રીબ્યુનલે છ આરોપીમાંથી પાંચની સજા સ્થગિત રાખી હતી જ્યારે ત્યાં સુધીમાં એક આરોપી જામીન પર હતો. ખટલાની કાર્યવાહી હજુ સમાપ્ત થઇ નથી. દરમિયાન આર્મીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે કાશ્મીરના માછીલ એન્કાઉન્ટરમાં અપરાધી છ સેનાકર્મીઓના ખટલાની વિગતોથી કોઇ જાહેર હિત સરવાનું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks