(એજન્સી) દેવરિયા, તા. ૬
બિહારના મુઝફફરપુરના શેલ્ટર હોમની ભયાનક ઘટનાઓ બાદ હવે ઉત્તરપ્રદેશના દેવરિયાના શેલ્ટરહોમમાં પણ બાળકીઓ સાથે જાતીય શોષણની અત્યંત હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. પોલીસે સોમવારે શેલ્ટર હોમમાંથી ૨૪ બાળકીઓને બચાવી હતી જ્યારે બાળ ગૃહના યુગલ મેનેજર તથા સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે, બાળ ગૃહમાં કુલ ૪૨ છોકરીઓ રહેતી હતી જ્યારે તેમાંથી ૧૮ હજુ પણ ગુમ છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ છોકરીઓની શોધખોળ ચાલુ છે. સીબીઆઇએ આ શેલ્ટર હોમનું લાયસન્સ રદ કર્યા બાદ યુગલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આશ્રય ગૃહના માલિક ગિરિડા ત્રિપાઠી, તેનો પતિ મોહન ત્રિપાઠી અને પુત્રી દ્વારા અહીં જાતિય શોષણનું રેકેટ ચાલતું હોવાની કબૂલાત બાદ ધરપકડ કરી હતી.
આ તમામ માહિતી ત્યારે બહાર આવી જ્યારે અહીંથી એક બાળકી નાસી છૂટવામાં સફળ રહી હતી અને તેણે દેવરિયાના એસપી રોહન પી કનાયને કહ્યું હતું કે, ‘શેલ્ટર હોમની છોકરીઓમાંથી એક નાસી છૂટવામાં સફળ રહી હતી જેણે અમારી પાસે આવીને આપવીતી સંભળાવતા કહ્યું કે, તેઓ અમારી સાથે નોકરો જેવું વર્તન કરતા હતા. તેણે કહ્યું કે, ૧૫ વર્ષથી વધુ ઉંમરની છોકરીઓને રાતે કાર લેવા આવતી હતી અને બીજા દિવસે સવારે છોકરીઓ રડતાં-રડતાં આવતી હતી. એસપીએ કહ્યું કે, આ આરોપોની તપાસ ચાલુ છે. એસપીએ જણાવ્યું હતું કે, રેકોર્ડ તપાસ કરતા જાણવા મળ્યું કે, શેલ્ટર હોમમાં ૧૫થી ૧૮ વર્ષની ૪૨ છોકરીઓ રહેતી હતી પણ જ્યારે અમે રેડ કરી ત્યારે અહીં ફક્ત ૨૪ છોકરીઓ જ હતી. આ સુરક્ષા ગૃહમાંથી ૧૮ છોકરીઓ ગુમ હતી. તેઓ ક્યાં છે તેની શોધખોળ કરવા માટે અમે પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ. બચાવેલી છોકરીઓ સાથે જાતીય સતામણી થઇ છે કે નહીં તેની તપાસ કરવા માટે મેડિકલ પરીક્ષણ કરવા મોકલી દેવાઇ છે.
મહિલા અને બાળવિકાસ મંત્રી રીટા બહુગુણા જોશીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાસ્થળે તપાસ કરવા ઉચ્ચ સ્તરની તપાસ ટીમ મોકલી છે અને સોમવારે જ રાત સુધી રિપોર્ટ આપવા કહ્યું છે, આ સાથે જ જિલ્લા કલેક્ટરને પણ હટાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્ય સચિવની ઓફિસ દ્વારા ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપી દેવાયા છે. મંત્રીએ કહ્યું કે, આ એક ગંભીર બાબત છે અને મેં ૨૪ કલાકની અંદર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. જે લોકો દોષિત જણાશે તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, બિહારમાં મુઝફ્ફરપુરની ભયાનક ઘટનાઓ બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રીજી ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં મહિલા, બાળકો અને કિશોરીઓના આશ્રય ગૃહોની સલામતી અંગે દિશા નિર્દેશ આપ્યા હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ગયા વર્ષે જ સીબીઆઇની તપાસ બાદ આ આશ્રય ગૃહનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે, આશ્રય ગૃહ ગેરકાયદે રીતે ચાલી રહ્યું છે. સસ્પેન્ડ થયા પહેલા ડીપીઓ પ્રભાતકુમારે કહ્યું હતું કે, તેમણે શેલ્ટર હોમના સુપ્રિન્ટેન્ડેન્ટ કંચન લતાને છોકરીઓને ગોરખપુર શિફ્ટ કરવા માટે કહ્યું હતું પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો. આ અંગે મેં ૩૧મી જુલાઇએ એક ફરિયાદ નોંધાવી છે. પોતાને સસ્પેન્ડ કરતા પહેલા દેવરિયાના જિલ્લા મેજિસ્ટ્રેેટ સુજીતકુમારે કહ્યું હતું કે, શેલ્ટર હોમની તપાસ કરવાના પ્રયાસ કરાયા હતા પણ વહીવટતંત્ર સાથ આપી રહ્યું નહોતું.
કિશોરીએ અત્યાચારની ભયાનકતા વર્ણવી
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બિહારના બેટિયાની એક કિશોરી કોઇક રીતે શેલ્ટર હોમમાંથી છટકી જવામાં સફળ રહી હતી અને સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. કિશોરીએ પોલીસને જણાવ્યું કે, મેડમના નામથી દરરોજ રાતે એક કાર આવતી હતી જે બાદ એક વ્યક્તિ સાથે અમને મોકલાતી હતી. છોકરીઓ પરત ફરતી હતી ત્યારે તેઓ પોતાની પીડા દર્શાવવા માગતી હતી પણ મેડમના ડરથી તેઓ પોતાની વ્યથા કોઇને કહી શકતી નહોતી. અમે બધી છોકરીઓ ભયાનક સમયમાંથી પસાર થઇ રહી છે. પોલીસે કહ્યું છે કે, શેલ્ટર હોમમાંથી છોડાવેલી દરેક છોકરીએ પોતાના પર ગુજારેલા શરમજનક અને ભયાનક ત્રાસની આપવીતી સંભળાવી છે. વધુ એક છોકરીએ કહ્યું કે, તેને પુરૂષ સાથે સેક્સ કરવા મજબૂર કરવામાં આવતી જ્યારે તે ઇન્કાર કરે તો ડંડા વડે ક્રૂરતાથી મારવામાં આવતી હતી. મેડમના આદેશને જે છોકરી ના માને તેને કેટલાક દિવસ સુધી ભોજન અપાતું નહોતું અને ભયાનક ત્રાસ આપવામાં આવતો હતો.
મુઝફ્ફરપુર, દેવરિયા શેલ્ટર હોમ જેવા કેસો હજુ ઘણા હોઇ શકે : મેનકા ગાંધી
મુઝફ્ફરપુર અને દેવરિયાના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે જાતીય શોષણની ઘટનાઓથી દુઃખી કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે, મને પાક્કો વિશ્વાસ છે કે, દેશના અન્ય ભાગોમાં ચાલતા શેલ્ટર હોમ્સમાં પણ વર્ષોથી આવી ઘટનાઓ થતી હશે. આ મારા માટે ફક્ત ડરાવનારી નહીં પણ દુઃખી કરવાની ઘટનાઓ છે. હું જાણું છું કે, વરસો વરસથી આવી ઘટનાઓ થતી હશે કારણ કે, તેમને નાણા પુરા પાડ્યા સિવાય અમે કાંઇ ધ્યાન આપ્યું નથી. આ અંગે ઉકેલ અંગે તેમણે કહ્યું કે, હું સાંસદોને દરખાસ્ત કરૂં છું કે, તેઓ પોતાના મતવિસ્તારના સંસ્થાનોમાં જાય અને મને રિપોર્ટ આપે. હું તરત પગલાં લઇશ. લાંબા ગાળાનો ઉકેલ એ છે કે, ૧૦૦૦ મહિલાઓ, ૧૦૦૦ બાળકો માટે નાનાને બદલે મોટા આશ્રયગૃહો બનાવાય અને તેમાં ફક્ત મહિલા સ્ટાફ હોય. જરૂરી નાણા હું પુરા પડાવીશ. મેનકા ગાંધીની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મુદ્દે પટના હાઇકોર્ટે સીબીઆઇ અને બિહાર સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. હાઇકોર્ટે સાથે જ ભાજપ-નીતિશની આગેવાનીવાળી સરકાર પાસે શેલ્ટર હોમમાંથી બચાવાયેલી છોકરીઓ માટે પુનઃવસનની વિગતો માગી છે.
હવે તો સ્પષ્ટ થઇ ગયું કે યુપીમાં જંગલરાજ છે : માયાવતી
ઉત્તર પ્રદેશના દેવરિયાના શેલ્ટર હોમ મામલે બસપા અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારની તુલના જંગલરાજ સાથે કરી છે. પ્રદેશમાં ભાજપની સરકારના શાસન દરમ્યાન રાજ્યની મહિલાઓની હાલત વધારે કથળી છે. દેવરિયા કાંડ દેશ માટે શરમજનક ઘટના છે. આવી ઘટના બનતાં ભાજપના રાજમાં જંગલરાજની શરૂઆત થઈ છે. માયાવતીએ આ મામલે કડક તપાસની માગ કરી છે. માયાવતીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સરકારના શાસનમાં ગરીબ, શોષણ અને મહિલાઓ અત્યાચારનો શિકાર બની રહી છે. જેથી દેવરિયા શેલ્ટર હોમ મામલે કડક તપાસ થવી જોઈએ.