(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક સગીરાને પોતાની જાળમાં ફસાવી વેપારીએ તેણી સાથે દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ બાપા સીતારામ ચોક પાસે સંતોષી કૃપા સોસાયટીમાં રહેતો કેતન ભૂપતભાઈ જીકાદ્રા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વેપારી કેતન જીકાદ્રા કતારગામમાં જ રહેતી સગીર કન્યા સ્કૂલે જાય ત્યારે તેણીની હેરાન ગતિ કરતો હતો. વેપારીની હેરાનગતિ બાબતે વિદ્યાર્થિનીએ તેના પિતાને જાણ કરી હતી. જેને લઈને વિદ્યાર્થિનીના પિતાએ આરોપી કેતન જીકાદ્રાને ઠપકો આપ્યો હતો. જે ઠપકાની અદાવત રાખી સગીરા ઘરમાં એકલી હતી. ત્યારે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અશ્લીલ ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ વિદ્યાર્થીનીના પિતાને તમાચો મારી ગાળાગાળી કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ આશરે એકાદ માસ પહેલા બન્યો હતો. બનાવ અંગે પીડિતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ પીઆઈ ડી.કે. રાઠોડ કરી રહ્યાં છે.