(એજન્સી) તા.રર
સંરક્ષણ મંત્રાલયે રાફેલ વિવાદ પર સ્પષ્ટતા કરી ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં કેન્દ્રીય કાયદામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર રાફેલ વિવાદ સંદર્ભે પ્રહારો કર્યા હતા. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધિત કરતા પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધી પાકિસ્તાનના હાથમાં રમી રહ્યા છે. પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ ખોટી માહિતી ધરાવે છે અને તેમના જુઠ ખુલ્લા પાડવા જરૂરી છે. પ્રસાદે પ્રશ્ન કર્યો હતો કે શા માટે રાહુલ ગાંધી ફાઈટર જેટ સોદાની વિગતો જાહેર કરવા સરકાર પર દબાણ કરી રહ્યા છે. આમ કરવાથી દેશના દુશ્મનો સચેત થઈ જશે. તેમણે આ પણ આક્ષેપ કર્યો હતો કે યુપીએ શાસનમાં રાફેલ સોદાને અંતિમ સ્વરૂપ ન આપવા સંદર્ભે વિચારણા કરવા માટેનું દબાણ હતું. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે કોંગ્રેસ પ્રમુખને સલાહ આપી હતી કે તે પુરાવા વગર રાફેલ સોદા વિશે સરકાર પર આક્ષેપો ન કરે.