(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૩
આમ તો દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રજાનો મિત્ર છે. ‘મે આઈ હેલ્પ યુ’ જેવા સૂત્રો લખેલ બોર્ડ જોવા મળે છે. બેશક પોલીસ પ્રજાની રક્ષક છે. પોલીસના શીરે પ્રજાના જાનમાલના રક્ષણની જવાબદારી છે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાએ ક્યાં જવું ? તેવો પ્રશ્ન ઊભો થાય છે. આવો જ એક બનાવ ભૂજમાં બનવા પામ્યો છે. જેમાં સંજોગનગરમાં રહેતા મજિદ ઠેબાની પત્ની આશિયાના ઠેબાએ કચ્છ જિલ્લા પોલીસ વડાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તા.૧૯-૭-૧૮ના રોજ રાત્રિના તેઓ જમી રહ્યા હતા ત્યારે પોલીસ મોબાઈલવાન નં. ર ના ડ્રાઈવર તેમજ જયેશભાઈ અને તેમની સાથે અન્ય બે પોલીસ કર્મી ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસી ગયા હતા અને તું મજીદ છે ? કહી માર મારવાનું ચાલુ કરતાં તેમની પત્ની આશિયાના વચ્ચે પડતાં તેની સાથે અણછાજતુું વર્તન કરી તેણીને પણ મૂઢ માર માર્યો હતો અને ગંદી ગાળો, અભદ્ર ભાષા બોલતા હતા. જ્યારે આ પોલીસવાળાને પુછ્યું કે અમારો વાંક શું છે ? અમારા પર કોઈ ફરિયાદ કે કેસ થયો હોય તો જણાવો તો તેમણે કશું જ જણાવેલ નહીં અને ગર્ભવતી આશિયાના તથા પતિ મજિદને ખૂબ મૂઢ માર મારેલ. અને તપાસના નામે આશિયાનાનો મોબાઈલ ફોન સીમ કાર્ડ સાથે લઈ ગયા હતા.
જ્યારે ગર્ભવતી આશિયાનાને મૂઢ મારથી દર્દ થતાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં ડૉકટરે સારવાર કરી હતી. બાદમાં હોસ્પિટલ ચોકીએ તે મતલબની નોંધ પણ કરાવેલ. ત્યારબાદ તેણીને રાત્રિના બે વાગ્યાના સુમારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે ઘર તરફ આવી રહી હતી. ત્યારે એક પોલીસ મોબાઈલ વાન મળેલ. જેમાં બેસેલ કર્મીઓએ નામ-ઠામ પૂછ્યા બાદ તેણીને જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે રિક્ષા કરી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવો ત્યાં તમને બોલાવે છે. તેમ જણાવ્યું હતું જેથી આશિયાના રિક્ષા કરી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચતાં ત્યાં દરવાજા પાસે ઊભી હતી. ત્યારે ફરી એક પોલીસ કર્મીએ આશિયાનાને પટાથી માર મારેલ. જેથી તે પોલીસ કર્મીને આશિયાનાએ કહેલ કે હું ગર્ભવતી છુ તેમ છતાં તેનું કંઈપણ સાંભળેલ નહી અને માર માર્યો હતો. ઉક્ત ઘટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કેમેરામાં કેદ છે. જ્યારે ઉક્ત ઘટના બાદ તા.૧૯-૮-ર૦૧૮ની રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી તેણીનો પતિ ગુમ થયેલ છે અને તેમની પાસેનો મોબાઈલ પણ બંધ આવે છે.
પોતાના પતિ પર તેમજ તેણી પર પોલીસ કર્મીઓને ઢોરમાર, અભદ્ર વાણી વિલાસ અંગે આશિયાનાએ જિલ્લા પોલીસ વડાને પોતાના ગુમ થયેલ પતિને શોધી આપવા તથા અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે ગૃહમંત્રી રેન્જ આઈજીને પણ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.