(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ભાજપના નેતૃત્વવાળા પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇડીએમસી)ની સ્થાયી સમિતિમાં ગુરૂવારે પાસ કરવામાં આવેલા એક ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ દિલ્હીમાં આવેલી માંસ પીરસતી બધી રેસ્ટોરન્ટ્સ અને માંસ વેચતી દુકાનો પર માંસ ‘હલાલ કે ઝટકા’નું હોવાનું દર્શાવતા બોર્ડ લગાવવા પડશે. પેનલનો નિર્ણય અમલી બનાવતા પહેલા ઇડીએમસી હાઉસ અને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. આ ઠરાવ પૂર્વ દિલ્હીમાં રહેતા હિન્દુ અને શીખ સમુદાયના ઘણા લોકો અને માંસથી બનેલી વાનગીઓ પીરસતી ઘણી હોટલોની કરાયેલી રજૂઆતો પર આધારિત છે. ઠરાવમાં ઇડીએમસીએ એવો દાવો કર્યો છે કે હિન્દુ અને શીખ ધર્મો મુજબ હલાલ માંસ ખાઇ શકાય નહીં. પૂર્વ દિલ્હીની બધી રેસ્ટોરન્ટ્સ માટે પીરસવામાં આવતી વાનગીઓમાં ઉપયોગ કરાયેલું માંસ હલાલ કે ઝટકાનું છે. લેખિતમાં તે દર્શાવતા બોર્ડ લગાવવાનું ફરજિયાત હશે. સ્થાયી સમિતિએ બધી રેસ્ટોરન્ટ્સ અને માંસનું વેચાણ કરતી દુકાનોને ઉપરોક્ત બાબતના સંદર્ભમાં આદેશો આપવાનું નક્કી કર્યું છે. ઇડીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે માંસનું વેચાણ કરતી ઘણી દુકાનો અને માંસની વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ્સ માંસ કયા પ્રકારનું છે, તે દર્શાવતા બોર્ડ લગાવે છે પરંતુ બધા એમ કરતા નથી.