(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
રાજયની ત્રણ ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો મુદ્દે કાનૂની લડત બાદ આખરે રાજય સરકારે તેના અભ્યાસક્રમો અમાન્ય ઠરાવી દીધા છે. એટલે કે હવેથી રાજયની પારૂલ યુનિવર્સિટી, રાય યુનિવર્સિટી અને આર.કે. યુનિવર્સીટી દ્વારા ચલાવતા કૃષિ ક્ષેત્રેના અભ્યાસક્રમો અમાન્ય રહેશે.
નવા શૈક્ષણિક વર્ષમાં પસંદગીના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટેનો સમય આવી રહ્યો છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જવા માગે છે તેમના માટે ખૂબ મહત્ત્વની જાણકારી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.
વિભાગ દ્વારા જણાવાયાં મુજબ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટીને બી.એસ.સી. (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. જેની વિદ્યાર્થીઓ અને નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.
આ મુદ્દે હાઇકોર્ટના તા.૩૦/૧૦/૨૦૧૮ના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશનો પણ દાખલ કરવામાં આવી હતી. જે પીટીશનોની સુપ્રિમ કોર્ટ દ્વારા તા.૧૧/૦૧/૨૦૧૯ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો છે. આમ આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી. જેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.