જૂનાગઢ, તા.૭
જૂનાગઢ જિલ્લામાં કેશોદ નજીક સોંદરડા બાયપાસ પાસેથી પસાર થઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા ઉપર પાસના કાર્યકરો દ્વારા ઈંડા ફેંકવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવની વિગત અનુસાર અમિત શાહ સોમવારે રાત્રે રાજકોટ એરપોર્ટ ઉપરથી મોટર માર્ગે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે અમિત શાહની ગાડીના કાફલા ઉપર ગત મોડી રાત્રે પાસના કાર્યકર્તાઓએ ઈંડા ફેંકી, પાટીદાર અનામત આપો, પાટીદાર ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરી અને દેખાવો અને હંગામો મચાવ્યો હતો. આ બનાવને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે તાત્કાલિક પોલીસે બનાવના સ્થળે ધસી જઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પાટીદાર અનામતને લઈને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું હોય જેને લઈ પાસ કાર્યકર્તાઓ દ્વારા આગામી વિધાનસભા ર૦૧૭ની ચૂંટણીમાં ભાજપને મહાત આપવા ઠેર-ઠેર બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત સોમનાથ આવી રહ્યા છે. સાથો સાથ સોમનાથ મીટિંગમાં હાજરી આપવા અમિત શાહ પણ મોડી રાત્રે ગુજરાત પહોંચી ગયા છે અને રાત્રિના સોમનાથ જતી વખતે કેશોદ તાલુકા પાસ સમિતિના કન્વીનર ભરત લાડાણી, જય ડઢાણિયા સહિત ૧૦ જેટલા કાર્યકર્તાઓ કેશોદથી પ કિમી દૂર સોંદરડા બાયપાસ પાસે ઈંડા લઈ ઊભા હતા અને જ્યારે અમિત શાહની ગાડીનો કાફલો પસાર થયો હતો ત્યારે કાફલા ઉપર ઈંડા ફેંકી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે અમિત શાહની ગાડીનો કાફલો રોકાયો ન હતો અને ત્યાંથી સોમનાથ જવા રવાના થઈ ગયો હતો અને પાસ કાર્યકર્તાઓ ઈંડા ફેંકી નાસી છૂટ્યા હતા.