એક બાજુ લાલચ અને બીજી બાજુ સન્માન હતું અમારે સન્માન જોઈએ, નાણાં નહીં : અલ્પેશ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
ગાંધીનગર ખહતે યોજાયેલા નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે હજારોની જનમેદની વચ્ચે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે મારે રાજનીતિમાં જોડાવવું કે કેમ ! તે નિર્ણય પ્રજાએ લેવાનો હતો જેમાં બહુમતી લોકોએ મને કોંગ્રેસમાં જોડાવવા સલાહ આપી હતી. એક બાજુ લાલચ હતી અને બીજી બાજુ સન્માન હતું. આથી મેં સન્માનનો રસ્તો અપનાવ્યો છે.
કોંગ્રેસમાં પ્રવેશ બાદ કોંગ્રેસના નેતા તરીકે પ્રથમવાર વિશાળ જનસભાને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજનીતિમાં જોડાતા અગાઉ મેં સમાજના હિતમાં સરકાર પાસે દારૂબંધી, રોજગારી, શિક્ષણ વ્યવસ્થા સહિતની અનેક માગણીઓ મુકી હતી અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુધરે તે માટે ચળવળ ચલાવી હતી. પરંતુ સરકારે અમને એકવાર પણ મુલાકાત માટે ન બોલાવ્યા. વારંવાર અમારી અવગણના કરી એટલે મારે ગુજરાતની પરિસ્થિતિ પ્રમાણે જનાદેશને આધારે રાજકીય નિર્ણય કરવો પડયો છે કારણ કે હવે આપણે સાથે મળી ગુજરાતની વ્યવસ્થા સુધારવાની છે. આવનારા સમયમાં કોઈપણ જ્ઞાતિને આંદોલન ન કરવું પડે તેવી સરકાર લાવવાની છે. એમ જણાવી કોંગ્રેસને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા તેમણે આહવાન કર્યું હતું. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશની વિચારધારા કોંગ્રેસની વિચારધારા છે. મારી પાસે બે વિકલ્પ હતા એક તરફ લાલચ હતી તો બીજી તરફ સન્માન હતું. પરંતુ મેં જનાદેશને આધારે લાલચને ફગાવી દીધી અને સન્માનને પસંદ કર્યું છે. અમારે નાણાં નથી જોઈતા સન્માન જોઈએ છે. જે કોંગ્રેસે અમને આપી દિલ જીતી લીધું છે. ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લેતા અલ્પેશે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં વિકાસ થયો હોવાના મોટા દાવા કરવામાં આવે છે તો પછી બેરોજગારી કેમ છે ! જો વિકાસ થયો જ છે તો શિક્ષણ વ્યવસ્થા શા માટે કથળી રહી છે ? હવે લોકોની આંખો ખુલી ગઈ છે; એમ જણાવી અબકી બાર ગરીબ પિછડોંકી સરકાર એવું સૂત્ર તેમણે આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં હવે દલિતો અને પાટીદારો જાગી ગયા છે. આથી હવે ગુજરાતીઓનો પાવર ચાલશે. રાહુલ ગાંધી ગરીબોની વાત કરે છે આથી આ વખતે ગુજરાતમાં ચોક્કસ કોંગ્રેસ પક્ષની સરકાર બનશે અને કોંગ્રેસની સરકાર બનાવવાની જવાબદારી તમારી છે. હવે ગામોમાં એક પણ ભાજપવાળાને ઘૂસવા નહીં દઈએ તેવો હુંકાર કર્યો હતો. અંતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગમે તે પરિસ્થિતિ સર્જાય જીજ્ઞેશ, હાર્દિક અને અલ્પેશે એક રહેવાની જરૂર છે. આ ત્રણે મળી જશે તો કોઈની તાકાત નથી કે ગુજરાતમાં ભાજપ પગ મુકી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks