(એજન્સી) જમ્મુ, તા.૧૪
ગુરૂવારે વહેલી સવારે જમ્મુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ નવી દિલ્હી રેલવે સ્ટેશને પાટા પરથી ખડી પડ્યો. આ ઘટનામાં કોઈપણ યાત્રી ઘાયલ થયાના સમાચાર નથી. દુર્ઘટના નાની હતી. ટ્રેનનો પાછળનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. તે ગાર્ડનો ડબ્બો હતો. ઉત્તરી રેલવેના પ્રવક્તા નીરજ શર્માએ જણાવ્યું કે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ૧પ નંબરના પ્લેટફોર્મ પર આવી રહેલી જમ્મુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો અંતિમ કોચ ખડી પડ્યો. રેલવે અકસ્માતો વધતા પૂર્વ રેલમંત્રી પ્રભુને હટાવી પિયુષ ગોયેલને રેલવેપ્રધાન બનાવ્યા છે. તેમ છતાં પણ રેલવે અકસ્માતો થંભવાનું નામ લેતા નથી. ૭ દિવસમાં બીજી રાજધાની ટ્રેન પાટા પરથી ખડી પડી. સતત ટ્રેન દુર્ઘટનાઓ સામે આવી રહી છે.
ગયા અઠવાડિયે જબલપુર-શક્તિકુંજ એક્સપ્રેસ ટ્રેનના ૭ ડબ્બા સોનભદ્ર પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. કલિંગા-ઉત્કલ એક્સપ્રેસ ટ્રેન ગયા મહિને ખડી પડતા ર૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦ ઘવાયા હતા. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ અપૂરતા સમારકામ અને ટ્રેકોના ચાલી રહેલા કામો અકસ્માત માટે જવાબદાર છે. મોટાભાગના રેલ ટ્રેક જૂના થઈ ઘસાઈ ગયા છે. નેશનલ ક્રાઈમના અહેવાલ મુજબ ર૦૧પના વર્ષમાં ૮પ૯ રેલવે અકસ્માતો મિકેનિકલ ખામીથી સર્જાયા. અકસ્માતો માટે ટ્રેક પર વધતો જતો ટ્રેનોનો બોજ પણ છે. ૧૯પ૦થી ર૦૧૬ સુધીમાં મુસાફરોની સંખ્યા ૧૩૪૪ ટકા અને માલવાહનની ૧૬૪ર ટકા ટ્રાફિક વધી. જ્યારે રેલવે રૂટ કિ.મી. ર૩ ટકા વધ્યો. તેમ સેફ્ટી કમિટીએ અહેવાલમાં જણાવ્યું છે.