અમિત શાહે કાયદા પંચને પત્ર લખી એકસાથે ચૂંટણી યોજવાની માગણી કરી

(એજન્સી) તા.૧૩
સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાયદા પંચને પત્ર લખી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજવાની માગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, આમ કરવાથી ચૂંટણી પાછળ ખર્ચાતા હજારો કરોડો રૂપિયા બચી જશે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની અધ્યક્ષતાવાળા પ્રતિનિધિમંડળે કાયદા પંચને સોંપેલા પત્રમાં શાહે કહ્યું હતું કે સતત ચાલુ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્ત્રોતોનું વ્યય થાય છે અને ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થવાથી ભારત જેવી વિકાસશીલ લોકશાહીમાં વિકાસના કાર્યો તેમજ નીતિ વિષયક નિર્ણયો અટકી પડે છે. ભાજપ અધ્યક્ષે દલીલ કરી હતી કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે કોઈ સંબંધ નથી. બન્ને ચૂંટણીઓમાં મતદારો જુદા જુદા મુદ્દાઓને આધારે મતદાન કરે છે. આથી આપણે મતદારો પર વિશ્વાસ મૂકવો જ જોઈએ. તેમણે કહ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન એક પછી એક રાજ્યોમાં થતી ચૂંટણીના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેની કામગીરી પર અસર થાય છે. ભાજપના પ્રતિનિધિમંડળે કાયદા પંચના ચેરમેન જસ્ટિસ બી.એસ.ચૌહાણ સમક્ષ રજૂઆત કરી હતી કે એક દેશ, એક ચૂંટણીના વિચારને સાર્થક કરવા માટે બંધારણમાં જરૂરી સુધારાઓ થવા જોઈએ. એક સાથે ચૂંટણી યોજવાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks