લુણાવાડા, તા.૧૯
આગામી તા.૩૧ ઓકટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તે અંતર્ગત સરદાર પટેલ જયંતિ ઉજવણીને અનુલક્ષીને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સરદાર પટેલના એકતા અને અખંડિતાના સંદેશા સાથે ગામે ગામ એકતાયાત્રા પ્રથમ તબક્કો તા.ર૦ ઓકટોબરથી તા.ર૯ ઓકટોબર અને બીજો તબક્કો તા.૧૫ નવેમ્બરથી તા.ર૪ નવેમ્બર સુધી મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં અને છ તાલુકાઓના ૪૨૫ ગામોમાં આ એકતાયાત્રાના બે રથ પરિભ્રમણ કરશે.
આ અંતર્ગત લુણાવાડાથી જિલ્લાના પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમાર અને પ્રભારી સચિવ ટી.નટરાજનની ઉપસ્થિતિમાં એકતા યાત્રા રથને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, લુણાવાડાથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ એકતાયાત્રાના પ્રથમ દિવસે રથ નં.૦૧ લુણાવાડા નગરપાલિકાના ૧થી ૭ વોર્ડમાં ફરશે જેમાં શ્રી પી.એન.પંડ્યા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડથી એસ.કે. હાઇસ્કૂલ પાછળ થઇ શાંતિનગર, એસ.પી. કચેરી, દરકોલી તળાવ, લુણેશ્વર ચોકડી, ફુવારા ચોક, માંડવી બજાર, ઘાંટી, આંબેટકર ચોક વાંસીયા તળાવ, મધવાસ દરવાજા અને ચાર કોસીયા નાકા થઇ દલખુડીયા ગામ તરફ રવાના થઇ સાત ગામોમાં ફરશે જયારે રથ નં.૦૨ ગ્રામ્ય કક્ષાએ ગોલાના પાલ્લા, નાની પાલ્લી, રાજગઢ, રામપુર પાદેડી, નાના વડદલા, મોટા વડદલા, સડા, સીમલીયા, હિન્દોલીયા, વાધજીબારીયાઆના મુવાડા અને મલેકપુર ખાતે પરિભ્રમણ કરશે.
આ યાત્રા દરમિયાન નગરપાલિકા વિસ્તારની અને ગામોની મહિલાઓ દ્વારા આ એકતાયાત્રા રથની આરતી અને પુજા કરવામાં આવશે.