(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
ભારત પાકિસ્તાનની સરહદ પર જોરદાર તણાવની સ્થિતિ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ સ્પષ્ટ જણાવી દીધું છે કે, લોકસભા ચૂંટણી સમય પર જ યોજાશે. ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. ચૂંટણી પંચ વહેલી તકે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે. ઇવીએમ અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ઇવીએમને આપણે ફુટબોલ બનાવી દીધો છે. સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, ઇવીએમને આપણે સમગ્ર દેશનો ફુટબોલ બનાવી દીધો છે. જો પરિણામ અનુકુળ આવે તો ઇવીએમ ઠીક છે જો પરિણામ પ્રતિકુળ આવે તો ઇવીએમ ખરાબ છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે ફોર્મ ૨૬માં શપથપત્રના પ્રારૂપમાં ફેરફાર કર્યા છે. હવે ઉમેદવાર પતિ/પત્ની/બાળકો/આશ્રિતોની ૫ વર્ષની આવકની વિગતો આપશે. આમાં દેશની સાથે વિદેશી સંપત્તિઓની વિગતનો પણ સામાવેશ કરવામાં આવશે. પાન નંબરની સાથે આ તમામ જાણકારી આપવી પડશે. સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં સી વિજિલ એપ લોન્ચ કરવામાં આવશે. આને પાયલટ પ્રોજેક્ટ તરીકે કર્ણાટકમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં નોગરિકો તરફથી અમને ૨૮ હજાર ફરિયાદ પ્રાપ્ત થઇ હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ એપ મારફતે ચૂંટણી સંબંધિત કોઇપણ ફરિયાદ કરી શકશે. ફરિયાદ કર્યાના ૧૦૦ મિનિટની અંદર અધિકારીએ જવાબ આપવાનો રહેશે કે તેમણે શું કાર્યવાહી કરી છે.